Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીની જાહેરસભા છતાં રાજ્યમાં અમરેલીમાં સૌથી ઓછું મતદાન

અમદાવાદ :આજે રાજ્યની તમામ 26 બેઠક ઉપર એકસાથે મતદાન યોજાયું હતું રાજ્યમાં સરેરાશ 62.99 ટકા મતદાન નોંધાયું છે જેમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડે છે તે અમરેલી સીટ પર સૌથી ઓછું મતદાન થયું છે પાટીદારોની બહુમતીવાળી અમરેલી બેઠક ઉપર સાંજે સાત વાગ્યા સુધી સૌથી ઓછું 55.73 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાન ગત વર્ષની સરખામણીમાં 3 ટકા વધારે છે પરંતુ રાજ્યમાં સૌથી ઓછુ છે.

આ બેઠક ઉપર વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી તથા કૉંગ્રસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેરસભાઓને સંબોધીને તેમના પક્ષના ઉમેદવાર માટે મત માગ્યા હતા.

આ બેઠક ઉપર ભાજપ, કૉંગ્રેસ, બસપા તથા આઠ અપક્ષ સહિત કુલ 12 ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.

 

તા. 15મી એપ્રિલે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમરેલી બેઠક હેઠળ આવતી મહુવામાં જાહેરસભાને સંબોધી હતી.રાહુલ ગાંધીએ 'ન્યાય' યોજના તથા રફાલમાં કથિત ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ પણ તા. 18મી એપ્રિલે જાહેરસભા સંબોધિત કરી હતી.મોદીએ તેમના ભાષણમાં 'કૉંગ્રેસના સરદારદ્વેષ', 'કૉંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા' અને 'દેશની સુરક્ષા' જેવાં મુદ્દા ઉઠાવ્યાં હતા.

ગત વખતે સરેરાશ 54.21 ટકા મતદાન સાથે અમરેલી સૌથી ઓછું મતદાન ધરાવતી બેઠકોની યાદીમાં છેલ્લેથી બીજાક્રમે હતી. પોરબંદરની બેઠક ઉપર સૌથી ઓછું 52.31 ટકા મતદાન થયું હતું.

(9:26 pm IST)