Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

હળવદ પંથકમાં ખનિજ માફીયા 'બે-લગામ' : સિકયુરિટી ગાર્ડને ડમ્પર હેઠળ કચડી નાંખવાનો નિષ્ફળ પ્રયાસ

મોરબી ચોકડીએ બનાવઃ સમયસૂચકતા વાપરી સાઇડમાં ખસી જતા જીવ બચી ગયો : ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ

વઢવાણ, તા.૨૪ : હળવદમાં મોરબી ચોકડી પર ખાણ ખનિજ વિભાગના સિકયુરિટી ગાર્ડે ગત રાત્રી દરમિયાન રેતી ભરેલાં ડમ્પરને અટકાવવા જતાં ડમ્પર ચાલકે કચડી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે લોકમુખે થતી ચર્ચાનુસાર હળવદ તાલુકાના મયુરનગર, મિયાણી, ધનાળા ટીકર સહિતની નદીમાં દ્યણા સમયથી તંત્રને સંતાકુકડી રમાડીને ભુમાફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે.ત્યારે ગતરાત્રીના મોરબી ચોકડી પર રેતી ભરેલા ડમ્પરને મોરબી ખાણ ખનિજ વિભાગના સિકયુરિટી ગાર્ડએ ડમ્પરને અટકાવવા જતાં ડમ્પર ચાલકે સિકયુરિટી ગાર્ડને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે સિકયુરિટી ગાર્ડએ સમય સૂચકતાથી પોતાની જાન બચાવી હતી.

પંથકમાં થતી બેફામ રેતી ચોરીથી તંત્ર હરકતમાં આવતા ધનાળા, મયુરનગર સહિતના ગામોમાં જિલ્લા ખનીજ વિભાગની સુચનાથી સિકયુરિટી ગાર્ડને તૈનાત કરાયા છે. ઉલ્લેખનીય છેકે, ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદના ધનાળા ગામમાં ૩૭,૩૬૧ મટ્રિક ટન તથા  મયુરનગર ગામનાં વિવિધ સર્વે નંબરમા ૨,૭૯,૧૭૨ મે.ટન રેતીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો જેની ગુરુવારે જાહેર હરરાજી રાખવામાં આવી હતી, પરંતુ માથાભારે રેત માફીયાઓને ડરથી કોઈપણ ખરીદદારો રેતી લેવાની હિમંત દર્શાવી ન હતી.

આ અંગે મોરબી જીલ્લા ખાણ ખનિજ વિભાગના ઈન્ચાર્જ અધિકારી એન.કે.દવેએ  જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે બનેલી ઘટના મામલે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ઘ ફરિયાદ નોંધાવવાની સુચના સિકયુરિટી ગાર્ડને આપી દેવામાં આવી છે.

(12:41 pm IST)