Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી વચ્ચે સવારથી જ આકરો તાપ

મહતમ તાપમાનનો પારો સડસડાટ ૪ર ડીગ્રી આસપાસ ઉંચે ચડી જતા અસહ્ય ઉકળાટઃ બપોરે રસ્તાઓ સુમસામ

રાજકોટ, તા., ૨૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને મહતમ તાપમાનનો પારો ૪ર ડીગ્રી આસપાસ પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઇ જાય છે.

સૌરાષ્ટ્રભરમાં ફરી ગગનભેદી અગનવર્ષાના એંધાણ વર્તાઇ રહયા છે. મંગળ અને બુધવાર ફરી સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી યલો એલર્ટની એલાન વોનીંગ જારી કરી છે. સોમવારે સુરેન્દ્રનગર, અમરેલી અને જામનગરમાં બે ડીગ્રી અને રાજકોટમાં ૧ ડીગ્રી ગરમીનો પારો ઉંચકાયો હતો. જેના પગલે દિવસભર આકરા તાપ વચે લુનુ સામ્રાજય છવાયું હતું.

મંગળવારે અને બુધવારે એમ બે દિવસ હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી યલો એલર્ટની વોનીંગ જારી કરી લે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરોના તાપમાનનો પારો ૧ થી ર ડીગ્રી ઉંચકાયો છે. દિવસભર લુ ફુંકાતી રહી જેના પગલે જનજીવન ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયું હતું.

હિટવેવની આગાહીના પગલે યલો એલર્ટ વોનીંગ જારી કરવામાં આવી છે જેથી તંત્ર દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા જણાવ્યું છે. તેમજ લુ કે ગરમી લાગવાના કિસ્સામાં તાત્કાલીક નજીકની સરકારી હોસ્પીટલમાં સારવાર લેવા જણાવ્યું છે.

અસહય ઉકળાટમાં થોડા દિવસ માટે રાહત થઇ હતી અને પ્રમાણમાં સહન થઇ શકે એવા તાપ પડતો હતો પણ હવે ફરી અસહ્ય તાપ શરૂ થઇ ગયો છે.

ગઇકાલે અમરેલી અને કચ્છના રાપરમાં ૪ર ડીગ્રી તાપમાન નોંધાયું છે. જયારે રાજકોટ ૪૧.પ  અને જુનાગઢ ૪૧.૬  ડીગ્રી સાથે ગરમ રહયા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી બે દિવસ હજી હીટવેવ રહેશે.

વૈશાખ મહિનામાં ગરમ પવન  ફુંકાવાના ચાલુ છે. ઉનાળાનો અસલ મિજાજ લોકો અનુભવી રહયા છે.

જૂનાગઢ વિસ્તારમાં  સવારથી અગ્નિ વર્ષા

જુનાગઢ : જૂનાગઢ વિસ્તારમાં સવારથી જ અગ્નિ વર્ષા શરૂ થઇ ગઇ છે.

રવિવારથી તાપમાનમાં ક્રમશઃ વધારો થઇ રહ્યો છે. ગઇકાલે જૂનાગઢનું મહત્તમ તાપમાન વધીને ૪૧.૬ ડીગ્રીએ પહોંચી ગયુ હતું.

આજે સવારે લઘુતમ તાપમાન વધીને ર૭.૭ ડીગ્રી નોંધાતા અગ્નિવર્ષા શરૂ થઇ ગઇ છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૩૩ ટકા હોય તાપ વધુ આકરો બનશે.

શરીર દઝાડતો તાપ વરસી રહ્યો હોય લોકો પરેશન થઇ ગયા છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૯ મહત્તમ, રર લઘુત્તમ, ૭૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૭.૮ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

 

(1:33 pm IST)