Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

જેતપુર-નવાગઢ રેલ્વે સ્ટેશનને રેગ્યુલર સ્ટેશનનો દરજજો : લાંબા રૂટની ટ્રેનના સ્ટોપ મળવાની તક

જેતપુર તા. ૨૪ : જેતપુરના નવાગઢ રેલ્વે સ્ટેશનને છેલ્લા ૨૦ વર્ષથી રેલ્વે તંત્રએ એફ કેટેગરી એટલેકે ફલેગ સ્ટેશનની કેટેગરીમાં મુકી દેતા અમુક સુવિધા મળતી બંધ થઇ ગયેલ. જેને પૂર્વવત કરવા માટે ચેમ્બર્સ ઓફ કોમર્સ ડાઇંગ એસોસિએશને અનેક આંદોલનો લેખીત મૌખિક રજૂઆતો કરેલ પરંતુ તેનો કોઇ હલ નહિ આવેલ. જેના પરિણામે જબલપુર, દ્વારકા જેવી ટ્રેઇનોનો સ્ટોપ મળતો ન હતો.

આ પ્રશ્ને અવારનવાર વિઠ્ઠલભાઇએ રેલ્વેતંત્રને રજૂઆતો કરેલ. જેના અનુસંધાને તાજેતરમાં ભાવનગર રેલ્વે ડીવીઝનના ડીસીએમ દ્વારા ભાવનગર ખાતે મીટીંગ બોલાવેલ. જેમાં નવાગઢ રેલ્વે સ્ટેશનને એફ કેટેગરીમાંથી રદ કરી રેગ્યુલર એનએનજી-૫ કેટેગરીમાં લાવવા ચર્ચાઓ કરેલ. નવાગઢથી રેલ્વેને સાડીના કારખાનાઓના કારણે સારી એવી આવક થઇ શકે તેમ છે માટે આ તમામ વિગતોને ધ્યાને લઇ નવાગઢ રેલ્વે સ્ટેશનને એફ કેટેગરીમાંથી અપડેટ કરી એનએસજી-પનો ઉચ્ચ કક્ષાનો દરજજો આપવામાં આવેલ હોવાની જાહેરાત કરતા નવાગઢ રેલ્વે સ્ટેશનના વિકાસના દ્વાર ખુલી ગયેલ છે. આગામી દિવસોમાં ટ્રેઇનોની સુવિધામાં વધારો થશે ઉપરાંત જબલપુર, દ્વારકા જેવી ટ્રેઇનોનો સ્ટોપ પણ મળશે એવી શકયતાઓ છે.

નવાગઢ રેલ્વે સ્ટેશનનો અપગ્રેડ કરવાની માંગણી સંતોષાતા રાજુભાઇ પટેલ (ડાઇંગ એશો.પ્રમુખ), વી.ડી.પટેલ (ચેમ્બર્સ પ્રમુખ), જેન્તીભાઇ રામોલીયા, હરેશભાઇ ગઢીયા સહિતના આગેવાનોએ ભાવનગર રેલ્વે તંત્ર અને જયેશભાઇ રાદડીયા (કેબીનેટ મંત્રી)નો આભાર માનેલ.

(11:41 am IST)