Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા જળસંગ્રહનું ભગીરથ કાર્ય કરાશેઃ આર.સી.ફળદુ

અમરેલીમાં જળસંચય કામ અંગે ચર્ચા-સમીક્ષા

અમરેલી તા. ૨૪ : સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં જળસંચયની પ્રવૃત્તિને લોકભાગીદારી સાથે જોડી પાણીસંગ્રહના વધુમાં વધુ કાર્યો કરવામાં આવશે. ચોમાસા પૂર્વે જળસંગ્રહનું ભગીરથ કાર્ય રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યમાં સૌનો સાથ-સહકાર આવશ્યક છે, તેમ કૃષિ અને ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતુ.

આગામી તા.૧ થી તા.૩૧ મે-૨૦૧૮ થી શરૂ થનાર સુજલામ સુફલામ જળ અભિયાન અંગે જરૂરી આયોજન અંગેની બેઠક મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. જેમાં અમરેલી જિલ્લાના જળસંચય કામો અંગેનું આયોજન અને તે આયોજનની ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.

મંત્રીશ્રી ફળદુએ જણાવ્યું હતુ કે, વરસાદના વહી જતા પાણીને રોકવા માટેના તમામ પ્રયત્નો આ અભિયાનમાં આવરી લેવામાં આવશે. સાથોસાથ તળાવ ઉંડા ઉતારવાના કામોમાં તેમાંથી નીકળેલી માટી ખેડૂતોને વિનામૂલ્યે મળી રહે તેની સાથોસાથ જે તળાવનું કામ થતું હોય તેના પાળાની મજબૂતાઇ પણ  વધે અને હાર્ડ રોડ રસ્તાઓ બનાવવાના કામોનું હોય તેવું આયોજન કરવા સૂચવ્યું હતુ.

સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ કહ્યું કે, ડેમ ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવે ત્યારે માટીપાળાની ચકાસણી અને અંદાજ મેળવી લેવામાં આવે તેવું પણ આયોજન સંબંધિત વિભાગ-કચેરી દ્વારા કરવામાં આવે તે જોવા સૂચન કર્યુ હતુ.

કલેકટરશ્રી આયુષ ઓકે, અમરેલી જિલ્લાની જળસિંચન, પાણી-પુરવઠા, ગ્રામ વિકાસ એજન્સી, વાસ્મો, વન સહિતના વિભાગોના આયોજન અંગેની વિગતો મંત્રીશ્રીને જણાવી હતી. સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તેવું આયોજન હાથ ધરવામાં આવશે. ડેમ ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવે ત્યારે ખેડૂતોને રેતી લઇ જવા આહવાન કરવામાં આવશે.

જિલ્લા આયોજન કચેરી-અમરેલી ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે, વનસંરક્ષકશ્રી ડાઙ્ખ. સક્કિરાબાનુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ડોબરીયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી ટોપરાણી, પાણી-પુરવઠા કાર્યપાલક ઇજનેરશ્રી ઉદેણીયા, પ્રાંત અધિકારી સર્વશ્રી સતાણી, શ્રી ડાભી, શ્રી ઓઝા, શ્રી બોડાણા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જગદીશ પટેલ, મામલતદારશ્રીઓ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા તેમજ સંબંધિત વિભાગ-કચેરીઓના અધિકારી-કર્મચારી-પદાધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સાસંદ નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, વસંતભાઇ મોવલીયા, ડો. કાનાબાર,  જે.પી. ઠેસીયા, અશ્વિનભાઇ સાવલીયા, કિર્તીભાઇ પટેલ, કમલેશ કાનાણી, કૌશિક વેકરીયા, બાબુભાઇ ધામત, અરૂણભાઇ પટેલ, શરદભાઇ લાખાણી, રવુભાઇ ખુમાણ, અશોકભાઇ ભાદાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અગ્રણીઓએ સંપૂર્ણ સહયોગી થવા ખાતરી આપી હતી.(૨૧.૫)

(9:47 am IST)