Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ભાવનગરના પડવા પંથકમાં જમીન સંપાદન મામલે ઇચ્છામૃત્યુ માટે 5259 લોકોએ રાષ્ટ્રપતિને અરજી કરી

-બાડી ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા :સરકાર વાત નહીં સાંભળતી હોવાનો આક્ષેપ

ભાવનગર: જિલ્લાના પડવા અને તેની આસપાસના લોકો-ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી લિગ્નાઇટના ખોદકામ મામલે જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો છે કે, સરકાર તેમની વાત સાંભળતી નથી અને એટલા માટે  ઇચ્છામૃત્યુ માટે 5259 લોકોએ રાષ્ટ્રપતિને અરજી કરી છે આ માટે આજે મોટી સંખ્યામાં ખેડૂતો બાડી ગામે એકઠા થયા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે જમીન સંપાદનનો વિરોધ કરવા માટે આ અગાઉ 12 ગામના ખેડૂતોએ બાળકોને શાળામાંથી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે જો અમારી જમીન જ લઈ લેવામાં આવશે તો પછી અમે અમારા બાળકોને ભણાવીને શું કરીશું. જગતનો તાત તેમની જમીન બચાવવા માટે મરણીયો થયો છે પણ ખેડૂતોને આજીજીને સરકાર સાંભળતી નથી. ખેડૂતોને ભય છે કે એક તરફ તેમની જમીન જતી રહેશે અને બીજી તરફ પ્રદુષણ તેમની જીવન નકામું કરી નાંખશે.

   ભાવનગરના ઘોઘામાં અસરગ્રસ્ત 12 ગામો કે જેની જમીન સંપાદિત થઈ રહી છે તે લોકો બાડી ગામે એકઠાં થયા હતા. ગામના આગેવાનો અને કાર્યકર્તાઓએ થઈને કુલ 5259 લોકોએ જમીન સંપાદનના વિરોધમાં સામૂહિક આત્મહત્યા કરવા, રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. આ માટે એક અરજી રાષ્ટ્રપતિને લખીને સહીઓ કરીને રજિસ્ટર્ડ એડીથી મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંત આ અરજીની પીએમઓ ઓફીસને પણ કોપી મોકલવામાં આવશે.

   ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે જમીન સંપાદનની પ્રક્રિયાના પગલે છેલ્લા કેટલાક દિવસથી ખેડૂત ખાતેદારોનો વિરોધ ચાલી રહ્યો છે. આ વિરોધના પગલે અગાઉ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયુ હતું. પડવાની સંપાદિત થયેલી જમીનનો કબજો મેળવવા સરકારી બાબુઓએ બળપ્રયોગ કર્યો હતો. સરકારે ખેડૂતોનો અવાજ સાંભળવાને બદલે, ભાવનગર જિલ્લામાં 144ની કલમ લગાડી દીધી હતી. સરકારના આ વલણને કારણે ખેડૂતો વધારે ઉગ્ર બન્યા છે.

(11:52 pm IST)