Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સાવરકુંડલાઃ અમદાવાદ કોર્પોરેશનમાં અણ આવડતના કારણે અઘોષિત પાણી કાપ

ધારાસભ્ય ગ્યાસુદીન શેખનો આક્ષેપ

સાવરકુંડલા તા.૨૩: મ્યુનિ. કમિશનરશ્રીની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઉસ્માનપુરા પશ્વિમઝોન કચેરી ખાતે ધારાસભ્યો અને સંસદ સભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી. સંકલન સમિતિમાં ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે નીચે જણાવેલ મુદ્દાઓની રજૂઆત કરી હતી.

મીટીંગમાં ધારાસભ્ય ગ્લાસુદ્દીન શેખે રજુઆત કરતા જણાવ્યુ હતુ કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પોતાની અણઆવડત અને બેદરકારીને છૂપાવવા ગુપ્ત રીતે અઘોષિત પાણીનો કાપ લાદી લીધો છે. મ્યુનિ. કોર્પોરેશનને અમદાવાદ શહેરની પ્રજાને જણાવવું જોઇએ કે હાલ પાણી સપ્લાયની શું પરિસ્થિતિ છે અને કેટલો કાપૂ મુકેલ છે. ૨૪ કલાક પાણી આપવાની વાતો કરતી ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશન લોકોને બે કલાકમાં પૂરતો પાણીનો પુરવઠો આપી શકતી નથી. શરૂ આતમાં તો અડધો કલાક ફકત પ્રદૂષિત પાણી આવે છે. અને પથી ૧૫ મીનીટમાં પાણીનો સપ્લાય બંધ થઇ જાય છે. અમદાવાદ સહિત સમગ્ર કોટ વિસ્તારની પ્રજા પાણીની સમસ્યાને કારણે ત્રાહિમામપોકારી ગઇ છે અને રોજ મસ્ટર સ્ટેશનમાં ધક્કા ખાવા મજબૂર થઇ છે.

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીઓ જીતવા ભાજપે અણધડ રીતે વોર્ડનો વિભાજન કરી ૩ સીટને  બદલે ૪ સીટ કરીને મોટા વોર્ડ બનાવી સમગ્ર અમદાવાદના કોર્પોરેશન તંત્રને ખોરવી નાંખેલ છે. જરૂરિયાત મુજબ એસાઇ તથા એઇ તથા ટેકનીકલ કામદારો સહિત મજૂરોની ખોટ વર્તાય છે. પાણીના અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક વિસ્તારની ભૂગોળ જાણકાર પહેલા લાંબા સમય સુધી ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓની નિમણુંક કરવી જોઇએ. સમગ્ર તંત્ર ભાજપે પોતાના મળતિયા કોન્ટ્રાકટરોને હવાલે કરી દીધેલ છે જે સમયસર કામપણ કરતા નથી.

શ્રી શેખે વધુમાં કહ્યું હતું કે હજુ ઉનાળાની શરૂઆત થઇ છે. તેવા જ સમયે સમગ્ર અમદાવાદ શહેર સહિત કોટ વિસ્તારમાં પૂરતા પ્રેશરથી સુદ્ધ પાણી ન મળતુ હોવાની બૂમરાડ થવા પામી છે. તથા ડ્રેનેજ પાણીની લાઇનો સાથે મિશ્રિત થઇ જવાને કારણે અપૂરતા પ્રેશરથી પ્રદૂષિત પાણી આવવાની ફરિયાદોથી જનતા ત્રાહિમામપોકારી ગઇ છે. શુદ્ધ પીવાના પાણી બાબતે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. માટે અમદવાદ અને કોટવિસ્તારના નાગરિકોને પૂરતા પ્રેશરથી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે યુદ્ધના ધોરણે પાણીની કાયમી અછત ધરાવતા વિસ્તારોને પાણી સપ્લાય પુરૂ પાડી શકાય તે માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા બોર બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવા માંગણી કરી હતી.

(1:25 pm IST)