Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

જામનગરમાં ૫૦૪ સફાઇ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના આદેશ તથા બાવન સફાઇ કર્મચારીઓને કાયમી નિમણૂંકના આદેશો અપાયા

જામનગર તા. ૨૩ : મહાનગરપાલીકાના ૩૪૭ સફાઇ કર્મચારીઓને ૨૪ વર્ષના અને ૧૫૭ સફાઇ કર્મચારીઓને ૧૨ વર્ષના ઉચ્ચતર પગારધોરણના આદેશ તેમજ કાયમી સફાઇ કર્મચારીઓના સેટઅપ પૈકી ખાલી પડેલ જગ્યા પર અવેજી સફાઇ કર્મચારીઓના સિન્યોરીટી લીસ્ટ મુજબ ૫૨ સફાઇ કર્મચારીઓને કાયમી કરવા અંગેના આદેશોનું વિતરણ રાષ્ટ્રીય કામદાર આયોગના ચેરમેનશ્રી મનહરભાઇ ઝાલા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જામનગર શહેરના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યુ હતુ.

સાંસદશ્રી પૂનમબેન માડમે સફાઇ કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યુ કે, ભુતકાળમાં સફાઇ કામદારોને મળવાપાત્ર લાભની નોંધ લેવાતી ન હતી. સફાઇ કામદારોએ રાખેલ ધીરજનું ફળ તેમને મળેલ છે. સફાઇ કામદારોના પ્રશ્નોને વાંચા આપવામાં અમે સફળ થયા છીએ. સ્વચ્છતા અભિયાનનું ભારણ સફાઇ કર્મચારીઓ પર આવતુ પરંતુ આજે વડાપ્રધાનશ્રીએ સફાઇનું મૂલ્ય લોકોને સમજાવ્યુ જેથી લોકો પણ જાગૃત થઇને આ અભિયાનમાં જોડાવા લાગ્યા છે. દેશને તંદુરસ્ત અને સ્વચ્છ રાખવાનું કાર્ય સફાઇ કર્મચારીઓએ કર્યુ છે. લોકોના અધિકારો લોકો સુધી પહોચાડવા આ સરકાર કટિબધ્ધ છે.

ઉચ્ચતર પગારધોરણ અને કાયમી નિમણૂંક પામનાર સફાઇ કર્મચારીઓને મેયરશ્રી પ્રતિભાબેન કનખરાએ શુભકામના પાઠવેલ હતી તેમજ સ્વચ્છતા અભિયાનમાં સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

કાર્યક્રમના અંતે વાલ્મિકિ સમાજના હોદેદારો અને કાર્યકરોએ  ઉપસ્થિત મહાનુભાવોનું  પુષ્પહાર અને સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા), પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, ડેપ્યુટી મેયર ભરતભાઇ મહેતા, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિન્ડોચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કમલાસિંગ રાજપુત, શાસક પક્ષ નેતા ધર્મરાજસિંહ જાડેજા, સેનીટેશન કમિટીના ચેરમેન આલાભાઇ રબારી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વસંતભાઇ ગોરી, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં સફાઇ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૨૨)

(1:22 pm IST)