Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મોરબીની પોસ્ટ ઓફિસમાં કથળતો વહીવટ : રૂપિયા જમા કર્યાની નોંધ નહી

મોરબી તા.૨૩ : પોસ્ટ ઓફિસમાં કથળતો વહીવટ હોવાની અનેક ફરિયાદો જોવા મળતી હોય છે. જેમાં તાજેતરમાં પોસ્ટ ઓફીસમાં રીકરીંગ ખાતામાં પૂરા રૂપિયા ભર્યા હોવા છતા એક બે હપ્તા ભર્યા નથી તેવા જવાબો આપીને પરેશાન કરવામાં આવી રહ્યા છે જેથી ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

પોસ્ટ ઓફીસમાં એજન્ટ તરીકે કામ કરતા જયશ્રીબેન કૈલાએ રીકરીંગ માટે છેલ્લા સોળ વર્ષથી કામ કરી રહ્યા છે અને પોસ્ટ ઓફીસમાં તેણે દસ ગ્રાહકોના રૂપિયા રેગ્યુલર ભર્યા છે. પોસ્ટની બુકમાં પણ આ રકમ જમા લેવાઇ છે તેવા પોસ્ટના અહી સિકકા હોવા છતા શકિત પ્લોટ પોસ્ટ ઓફીસ બંધ થતા તમામ વહીવટ હેડ પોસ્ટ ઓફીસ હસ્તક આવી ગયો અને ગ્રાહકોની મુદ્દત પુરી થતા દસ ગ્રાહકોના હપ્તા ઓછા છે તેમ કહીને પોસ્ટ ઓફીસે હાથ ઉંચા કરી દીધા છે જેથી ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. મોરબી પોસ્ટ ઓફીસમાં આવા અનેક પ્રશ્નો અને ફરિયાદો ઉઠવા પામી છે અને ગ્રાહકોને તેણે પોતાના રૂપિયા મળતા ન હોય જેથી લોકોનો પોસ્ટ વિભાગ પરથી ભરોસો ઉઠી રહ્યો છે અને કેન્દ્ર સરકારના આ વિભાગમાં યોગ્ય કરવાની માંગ સાથે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.(૪૫.૨)

 

(12:19 pm IST)