Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મોરબીમાં રીક્ષામાં મુસાફરોની નજર ચુકવી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૪ : મોરબીમાં રીક્ષામાં મુસાફર બેસાડી નજર ચૂકવી રૂપિયા સેરવી લેતી ગેંગ દ્વારા તાજેતરમાં એક પરપ્રાંતીય યુવાનને પોતાનો શિકાર બનાવ્યો હોય જે બનાવ બાદ પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને ચોરી કરતી ગેંગને દબોચી લેવામાં સફળતા મળી છે.

વિગતો મુજબ મોરબીના રાજપર નજીક કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિક વિમલેશકુમાર લાલુપાલ રીક્ષામાં જતો હોય ત્યારે નજર ચૂકવી ૨૪ હજારની ચોરી કરી હોય અને શ્રમિકને ચોરીની શંકા જતા ધક્કો મારી રીક્ષામાં નાસી ગયા હતા જે ચોરીમાં રિક્ષાચાલક અને મુસાફર તરીકે બેસેલ ઈસમો સામેલ હોય બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસે તુરંત તપાસ આદરી હતી અને શનાળા ગામ ઘુનડા રોડ પરથી ઉપયોગમાં લીધેલ સીએનજી રીક્ષા સાથે ત્રણ ઈસમો શંકાસ્પદ હાલતમાં ઉભા હોય જેની પાસેથી રોકડ રૂપિયા તેમજ ફરિયાદીનું ચોરી થયેલ આધારકાર્ડની નકલ મળી આવતા પોલીસે આરોપી ધનજી ઉર્ફે જાડિયો દેવજી ગેડાણી, ગોરધન ઉર્ફે ભૂરો દેવજી ગેડાણી અને કિશન દિનેશ દેવીપુજક રહે ત્રણેય રાજકોટ વાળા ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત

મોરબીના જોન્સનગરમાં રહેતો હનીફભાઈ હાસમભાઈ પઠાણ (ઉ.૩૦) મચ્છુ નદીના પટમાં બાથરૂમ જતા તેના પગમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહો ફેલાયો છે તો મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રવાપર ચોકડીએ બાઈકે એકટીવાને ઠોકર મારતા પતિ-પત્નીને ઈજા

મોરબીના આલાપ રોડ પર આવેલ અંજની પાર્ક સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ જીવણભાઈ સુતરીયા(ઉ.૩૫) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી યામાહા એફઝેડ જીજે ૩૬ પી ૦૦૪૨ ના ચાલકે પોતાનું બાઈક પુરઝડપે ચલાવી રવાપર રોડ પર આવેલ સ્વાગત હોલ નજીક ફરિયાદી ધર્મેશભાઈના એકટીવા સાથે એકસીડન્ટ કરી પછાડી દઈ ફરિયાદી ધર્મેશભાઈને જમણી સાઈડે છાતીની પાંસળીમાં તથા જમણા પગે ટચલી આંગળી પાસે ફેકચર સાથે ઈજા કરી તથા ફરિયાદી ધર્મેશભાઈના પત્ની ડીમ્પલબેનને જમણા પગે ઢીચણમાં ફેકચર જેવી ઈજા કરી તથા માથામાં પાછળની જગ્યાએ ઈજા કરી છે.

રફાળીયા નજીકથી બાઈક ચોરી

શકિત પ્લોટમાં રહેતા ભાવિકભાઈ સેવંતીલાલ શાહ(ઉ.૫૧) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું મોટર સાઈકલ જીજે ૩૬ કે ૪૫૭૩ કીમત રૂ.૧૫૦૦૦ વાળું કોઈ અજાણ્યો ઇસમ રફાળીયા ગામ નંદ પેટ્રોલપંપ તથા દરિયાલાલ રિસોર્ટ ની વચ્ચે રોડ પરથી ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે.

ઉંચી માંડલ નજીકથી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઉંચી માંડલ ગામ નજીકથી આરોપી ધર્મેન્દ્ર કામેશ્વર શાહ (ઉ.વ.૩૦) રહે ઉંચી માંડલ ગામની સીમ વાળા ને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૪ બોટલ કીમત રૂ ૧૨૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કબીર ટેકરી વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રામદેવપીરના મંદિર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો કરી ત્યાંથી જુગાર રમતા મુસ્તાકભાઇ આમદભાઈ ગાલબ, નીજામભાઈ સલીમભાઈ મોવર અને કાસમભાઈ ઉર્ફે ટબી સીદીકભાઈ લાખાણી ને રોકડ રકમ રૂ.૧૫૩૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જયારે આરોપી હાજીભાઇ મુસાભાઈ ખુરેશી અને સલીમભાઈ હાજીભાઇ ખુરેશી નાશી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

(12:59 pm IST)