Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભાટગામ અને સુખપુરમાં ૧૩ સાડીના ધોલાઇ ઘાટ તોડી પડાયા

જીપીએસ સિસ્ટમથી ઘાટ કોના સર્વે નંબર પર છે તેની જાણકારી મેળવી કાર્યવાહી કરાશે : સરકારી જમીન પર ઘાટ હશે તો લેન્ડ ગ્રેબીંગ એકટ અંતર્ગત કાર્યવાહી થશે

જૂનાગઢ તા.૨૪:  જૂનાગઢ જિલ્લામાંથી પસાર થતી ઉબેણ, ઓઝત સહિત અન્ય નદીઓમાં સાડીઓ ધોઇને કેમિકલયુકત પાણી છોડતા ઘાટ તોડી પાડવા જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની સૂચના' મુજબ વિસાવદર પ્રાંત અધિકારીએ ટીમની રચના કરી કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ભેંસાણના સુખપુર અને ભાટ ગામે ૧૩ જેટલા ઘાટ તોડી પાડવામાં આવ્યા છે.

આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારીની કચેરી, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, મામલતદાર કચેરી, પીજીવીસીએલ, તાલુકા પંચાયત કચેરી અને પોલીસને સાથે રાખી સર્વગ્રાહી કાર્યવાહી કરવામાં આવતી હોવાનું વિસાવદર પ્રાંત અધિકારીશ્રી ડી.વી.વાળાએ જણાવ્યું હતું. ઘાટ કયાં સર્વે નંબરમાં છે. જમીન કોની માલીકીની છે. તેમાં જીપીએસ સીસ્ટમ ઉપયોગ કરી અક્ષાંશ રેખાંશના આધારે જમીન માલિકો સામે કાર્યવાહી કરાશે.

જનહિતને વ્યાપક નુકશાન પહોંચાડી પ્રદૂષણ યુકત પાણી નદીઓમાં છોડી પાણી સાથે જમીન બગાડતા ઘાટ માલિકો સામે કડક કાર્યવાહી કરવા સાથે ઘાટ જો સરકારી જમીન ઉપર કાર્યરત હશે તો તેમની સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળની પણ કાર્યવાહી જિલ્લા કલેકટરશ્રીની સૂચના મુજબ કરવામાં આવશે. ગેરકાયદેરસ ધોલાઇ ઘાટ તોડી પાડવા સાથે પોલીસ ફરિયાદ, જમીન શરતભંગના કેસ, અન અધિકૃત વિજ જોડાણના કેસ તથા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સિવાય જો અન્ય જગ્યાએ પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવ્યો હશે. તો તેમની વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવા પણ તંત્ર કટીબધ્ધ છે. ઉપરાંત ભવિષ્યમાં પણ ગેરકાયદેસર ઘાટ તોડી પાડવાની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ પ્રાંત અધિકારીશ્રી વાળાએ વધુમાં જણાવ્યું હતું.

(12:58 pm IST)