Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો તાપઃ મહતમ તાપમાન ઉંચુ

આખો દિવસ લોકો અસહ્ય ઉકળાટથી ત્રાહીમામ : પંખા, એસી અને ઠંડા પીણાનો સહારો

રાજકોટ, તા., ૨૪: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ગરમીનો માહોલ બરાબરનો જામ્યો છે અને લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.

મહતમ તાપમાનમાં સતત વધારો થતા લોકો આકરા તાપથી પરેશાન છે. આખો દિવસ બફારા સાથે તાપ પડતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે અને ગરમીથી બચવા માટે એસી, પંખા અને ઠંડા પીણાનો ઉપયોગ કરી રહયા છે.

સતત વધતી જતી ગરમીના પગલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે ચાલુ સપ્તાહ બાદ મહતમ તાપમાન ૪૦ ડીગ્રી સુધી પહોંચી શકે છે. સાથોસાથ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના પગલે હવામાં ભેજનું પ્રમાણ પણ થોડી વધુ માત્રામાં જોવા મળી રહયું છે. રાબેતા મુજબ ૧પ માર્ચ બાદ હવામાં ભેજનું પ્રમાણ નહીવત હોય છે. પરંતુ ગત ચોમાસા દરમિયાન વરસાદ સારો હોવાથી હાલ ભેજ જોવા મળી રહયો છે. આગામી એક અઠવાડીયામાં મહતમ તાપમાન ૩૬ થી ૪૦ ડીગ્રી રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ઉનાળા દરમિયાન વાયવ્ય દિશાથી પવન આવતો હોવાથી ગરમી વધુ લાગતી હોય છે.

શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહયું છે ત્યારે રાજકોટનું મહતમ તાપમાન મંગળવારે ૩૭.૮ ડીગ્રી નોંધાયું હતું અને ન્યુનતમ તાપમાન રર.૭ ડીગ્રી નોંધાયું હતું. ત્યારે રાજકોટમાં સવારના સમયે ભેજનું પ્રમાણ ૭૯ ટકા જોવા મળ્યું હતું. એવી જ રીતે સાંજના સમયે ભેજનું પ્રમાણ રપ ટકા જેટલું જોવા મળ્યું હતું.

બીજી તરફ હવાની ગતી સવારે ૮.૩૦ થી સાંજના પ વાગ્યા સુધી ૯ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઇ હતી. જયારે સાંજના ૫ બાદ હવાની ગતી ૬ કી.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી. ત્યારે આગામી ર થી ૩  દિવસમાં કોઇ જ ફેર નહી થવાનું હવામાન વિભાગ દ્વારા જાણવા મળી રહયું છે.

ગઇકાલે અમદાવાદમાં મહતમ તાપમાન ૩૮.૩ ડીગ્રી, ડીસા ૩૯, વડોદરા ૩૬.૮, સુરત ૩૪.૯, રાજકોટ ૩૭.૮ કેશોદ ૩૭.૪, ભાવનગર ૩પ.૮, પોરબંદર ૩૩.પ, જામનગર ૩૪.પ, વેરાવળ ૩૪.૪, દ્વારકા ર૯.૭, ઓખા ૩૦, ભુજ ૩૭.૪, નલીયા ૩૪.૬, સુરેન્દ્રનગર ૩૮, ન્યુ કંડલા ૩૧.૧, કંડલા એરપોર્ટ ૩૬.૮, અમરેલી ૩૭.૩, ગાંધીનગર ૩૮, મહુવા ૩૬.૮, દિવ ૩ર.૮, વલસાડ ૩પ.પ અને વલ્લભ વિદ્યાનગરમાં ૩૮.૫ ડીગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહતમ તાપમાન૩૪.પ, ડીગ્રી, લઘુતમ ર૦ ડીગ્રી, હવામાં ભેજ ૮૬ ટકા  અને પવનની ઝડપ ૪.૮ કિ.મી. રહી હતી.

(12:57 pm IST)