Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મોરબીના ત્રાજપર ચોકડી નજીક અજીત પરમારની હત્યા કરનાર પોલીસના હાથવેંતમાં: મૃતદેહ સ્વીકારાયો

મોરબીના ત્રાજપર ચોકડી નજીક અજીત પરમારની હત્યા કરનાર પોલીસના હાથવેંતમાં: મૃતદેહ સ્વીકારાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૪: મોરબીના ત્રાજપર ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક બે યુવાનોને સુમારે છરીના ઘા ઝીંકીને ઇજાગ્રસ્ત કરાયા હતા જે પૈકીના એક યુવાનનું દ્યટના સ્થળે જ મોત નિપજયું હતું. આ હત્યાના બનાવમાં હત્યારો પોલીસની હાથવેંતમાં હોવાની માહિતી પોલીસ સુત્રો પાસેથી મળી હતી.

મોરબીના વણકરવાસમાં રહેતા અજીત ગોરધનભાઈ પરમાર નામના યુવાનને સામાકાંઠા વિસ્તારમાં તેના મિત્ર હુસેન સાથે રિક્ષામાં ગયો હતો જે દરમિયાન ત્રાજપર ચોકડી પાસે એસ્સારના પેટ્રોલ પંપ નજીક તેને કોઇની સાથે માથાકુટ થઇ હતી અને અજીત અને હુસેનને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત અજીત પરમારનું મોત નીપજયું હતું.

જે બનાવ મામલે પોલીસે ગુન્હો નોંધ્યો હતો જેમાં અજિત અને હુસેન આ બન્ને મિત્રો ત્રાજપર પાસે આવેલ કપડાની દુકાનમાં ગયા હતા. જયાં દુકાન બહાર એક શખ્સ નાના બાળકનો હાથ મચકોડતો હતો. આ જોઈને બન્ને યુવાનોએ શખ્સને આવી મશ્કરી કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા શખ્સે બન્ને યુવાન સાથે બોલાચાલી કર્યા બાદ તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ શખ્સની ઓળખ થઈ ચૂકી છે. તેનું નામ રમેશભાઈ મંગાભાઈ ભરવાડ છે અને તે ત્રાજપર ગામનો વતની છે.જયારે બીજી બાજુ આરોપી ન પકડાય જાય ત્યાં સુધી મૃતક યુવકની ડેડબોડી નહીં સ્વીકારવાની માંગ સાથે મૃતક યુવકના પરિવારજનો સહિતના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં બેઠા છે. ત્યારે મંગળવાર રાત્રીના હત્યાનો આરોપી પોલીસના હાથવેતમાં હોવાની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવતા મૃતકના પરિવારજનોએ સ્વીકાર્યો હોવાની માહિતી મળી હતી.

(11:37 am IST)