Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

પાટડી-દસાડાના કોંગ્રેસનાં ધારાસભ્ય નૌશાદ સોલંકી તથા ૪ પ્રોફેસરોને કોરોના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૪ : સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે દસાડા-લખતરના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ કોરોનાથી સંક્રમીત થયા હતાં અને ગાંધીનગર ખાતે હોમ આઈસોલેટ થઈ સારવાર શરૂ કરી હતી. જયારે વઢવાણ-કોઠારીયા રોડ પર આવેલ ફાર્મસી કોલેજના પ્રોફેસર સહિત ચાર કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

હાલ ગાંધીનગર ખાતે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષના ધારાસભ્યની ફરજીયાત હાજરી હોય છે ત્યારે વિધાનસભાના સત્રમાં ગાંધીનગર સચીવાલય ખાતે પહોંચ્યા પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવતાં કોરોના પોઝીટીવ આવ્યો હતો અને કોરોનાથી સંક્રમીત થયા હોવાનું જણાઈ આવતાં ગૃહમાં ધારાસભ્યના સંપર્કમાં આવેલા અન્ય ધારાસભ્ય સહિતના લોકોને પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા અધ્યક્ષે અપીલ કરી હતી. જયારે કોરોનાથી સંક્રમીત થયેલ ધારાસભ્ય નૌશાદ સોલંકીને ગાંધીનગર ખાતે તેઓના બંગલે હોમ આઈસોલેશન કરી સારવાર હાથધરવામાં આવી હતી. આમ દસાડાના ધારાસભ્ય પણ કોરોનાથી સંક્રમીત થતાં કોંગ્રેસના સ્થાનીક હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સહિત તેમના સમર્થકોમાં ચીંતા જોવા મળી હતી.

વઢવાણ-કોઠારીયા રોડ પર આવેલ ફાર્મસી એન્ડ રીસર્ચ કોલેજમાં પ્રોફેસર સહિત ચાર કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતાં કોલેજમાં સાથે ફરજ બજાવતાં અન્ય પ્રોફેસર અને સ્ટાફવર્ગમાં પણ ફફડાટ ફેલાયો હતો. જયારે આ કોલેજ કેમ્પસમાં અલગ-અલગ ત્રણ કોલેજો કાર્યરત છે ત્યારે એક સાથે ચાર વ્યકિતઓને કોરોના પોઝીટીવ આવતાં ચિંતા જોવા મળી હતી જયારે આ મામલે કોલેજ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા આઠ-દસ દિવસમાં અમદાવાદ તરફ અવર-જવર કરતાં પ્રોફેસર સહિતના કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે અને હાલ તમામ લોકોને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે જો કે કોઈ જ વિદ્યાર્થીમાં હજુ સુધી કોરોના પોઝીટીવ ન આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

(11:45 am IST)