Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભચાઉની નર્મદા કેનાલમાં ડૂબી જતાં પુત્ર, પુત્રી અને પિતાના મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : કચ્છના ભચાઉ અને વોંધ ગામ વચ્ચેની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક સાથે ત્રણ ત્રણ જણના બનાવે અરેરાટી સર્જી છે.

વોંધના કોલી પરિવારનો ૧૩ વર્ષીય બાળક પાણી ભરવા અને પીવા કેનાલમાં ઉતર્યા બાદ ડૂબી જતાં તેને બચાવવા તેની બહેન અંદર પડી હતી. પોતાના બન્ને બાળકોને ડૂબતા જોઈ પિતાએ તેમને બચાવવા કેનાલમાં પડ્યા હતા. કમનસીબે ત્રણેય અંદર ગરકાવ થઈ ગયા હતા. જો કે સ્થાનીક તરવૈયા સાથે ગામલોકોએ પાણીમાં ગરકાવ થઇ ગયેલા ત્રણેયને બહાર કાઢવા ભારે શોધખોળ કરી હતી. અંતે ભચાઉ ફાયર વિભાગની ટીમને પણ મદદ માટે બોલાવી હતી. જેમા ૫ કલાકની જહેમત બાદ ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. સવારે ૧૦ વાગ્યે આ અંગે ફાયર વિભાગને જાણ કરાઇ હતી. બનાવ સવારે ૮ વાગ્યા બાદ બન્યો હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.

ફાયર વિભાગ તથા સ્થાનીક લોકોની મદદથી પહેલા પિતા અને ત્યાર બાદ બન્ને બાળકોના પણ મૃતદેહ શોધી કઢાયા હતા. સ્થળ પરથી મળેલી પ્રાથમીક માહિતી મુજબ મૃત્યુ પામનારાના નામ માનસંગ હિરા કોલી તેનો પુત્ર બળદેવ માનસંગ ઉ.૧૩ કોલી તથા પુત્રી શાન્તી માનસંગ કોલી ઉં.૧૧ હોવાનું સામે આવ્યું છે. મૃત્યુ પામનારા એક જ પરિવારના અને ત્રણેય વોંધ ગામના રહેવાસી છે.

જો કે સમગ્ર અકસ્માત કઇ રીતે સર્જાયો તે અંગે ભચાઉ પોલિસ વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ અકસ્માતે બે બાળકો સહિત એકજ પરિવારના ૩ વ્યકિતના મોતથી ભચાઉ સહિત સમગ્ર કચ્છમાં અરેરાટી ફેલાઇ છે.

(10:21 am IST)