Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

પોરબંદરના જળાશયોમાં પુરતુ પાણી છતા પાલિકા દ્વારા પુરતુ પાણી અપાતુ નથીઃ પાણી વિતરણ વ્યવસ્થા સુધારવા માગણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૪ :. શહેરને પાણી પુરૂ પાડતા ખંભાળા અને ફોદાળા જળાશયોમાં પુરતુ પાણી છતાં નગરપાલિકાની ખામી ભરેલી પાણી વિતરણ વ્યવસ્થાને લીધે લોકોને પાણી મળતુ નથી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ૧૫ મીનીટ માંડ પાણી વિતરણ થાય છે. અન્ય કેટલાક વિસ્તારોમાં તો માત્ર ત્રણ મીનીટ પાણી નળમાં આવ્યા બાદ બંધ થઈ જાય છે.

ગત સાલ સારૂ ચોમાસુ હોય જિલ્લાના જળાશયો ઓવરફલો થઈ ગયેલ હતા. નગરપાલિકા દ્વારા જળાશયોમાંથી લોકોને નળ દ્વારા પાણી વિતરણ ઉપરાંત નર્મદા પાણી યોજના હેઠળ પાણી મળે છતા લોકોને પુરતુ પાણી મળતુ નથી.

નગરપાલિકા દ્વારા પાણી વેરા સહિત અન્ય વેરાની એડવાન્સ વસુલાત કરી લ્યે છે પરંતુ પાણી વિતરણમાં ધાંધિયા રહે છે. અનેક વખત લોકો રજૂઆત કરવા પાલિકા કચેરીએ દોડી જાય છે, છતાં ધ્યાન અપાતુ નથી.

શહેરમાં જાહેર નળ સ્ટેન્ડ પોસ્ટ ગાયબ થતા જાય છે. સામાન્ય વર્ગના લોકોને પાણી માટે દૂર સુધી ભટકવુ પડે છે. પાણી વિતરણમાં ધાંધિયાનો શહેરમાં વર્ષો જૂનો પ્રશ્ન છે. પછાત વિસ્તારમાં પુરતુ પાણી વિતરણ કરાતુ નથી. શહેરમાં નિયમીત પાણી વિતરણ કરવા લોકો માગણી કરી રહેલ છે.

(10:20 am IST)