Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

જુનાગઢમાં ૯૬ અને જિલ્લામાં ૮૦ વ્યકિત અન્ડર કવોરન્ટાઇનઃ ૧૪ દિવસ ઘરમાં જ રહેવાની તાકીદ

જુનાગઢ તા. ર૪: કોરોના વાયરસને રોકવા માટે સોરઠનાં તંત્ર દ્વારા જરૂરી તમામ પગલા લેવામાં આવી રહયા છે. આ દરમ્યાન સોરઠમાં કુલ ૧૭૬ વ્યકિત અન્ડર કવોરન્ટાઇન હોવાનું જાણવા મળેલ છે.

હાલ વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે આ ભયંકર વાયરસના સકંજામાં મોટા ભાગનાં દેશો આવી ગયા છે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં કોરોનાનાં કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે જુનાગઢ શહેર-જિલ્લામાં કોરોના વાયરસનાં સામના માટે કલેકટર ડો. સૌરભ પારધી અને ડીડીઓ પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિવિધ પગલા હાથ ધરવામાં આવેલ છે.

જુનાગઢ જિલ્લાની કામગીરી સંભાળતા ડો. વ્યાસે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, વિદેશ કે અન્ય યાત્રાએથી જુનાગઢ જિલ્લામાં પરત ફરેલી ૮૦ વ્યકિતને હોમ કવોરન્ટાઇન રાખવામાં આવેલ છે અને આ તમામને ઘરમાં જ રહેવાની સુચના આપવામાં આવી છે અને ઘર બહાર નહિં નીકળવા તેમજ અન્ય રીતે સંપર્ક નહિં રાખવા જણાવાયું છે અને આ તમામનું સવાર-સાંજ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

જુનાગઢ મનપાનાં હેલ્થ ઓફિસર ડો. રવિ ડેડાણીયાએ અકિલાને જણાવેલ કે, જુનાગઢમાં ૯૬ જેટલા લોકો અન્ડર કવોરટાઇન છે અને તેઓને ઘરમાં જ રહેવાની તાકીદ કરાઇ છે.

(12:04 pm IST)