Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કચ્છમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ દર્દી : ૯૦૪ હોમ કવોરેન્ટાઇન : ૨૯ ઇન્સ્ટિટયૂટમાં કવોરેન્ટાઇન : ૪ દર્દી હોસ્પિટલમાં

અત્યાર સુધી ૧૪ શંકાસ્પદ દર્દીઓ પૈકી ૧ પોઝીટીવ, ૧૨ નેગેટીવ, ૧૬ વર્ષના માંડવીના તરૂણનો રિપોર્ટ બાકી

ભુજ તા. ૨૪ : વધુ એક શંકાસ્પદ દર્દીએ કોરોના સામે લડતા કચ્છના આરોગ્યતંત્રની ચિંતા વધારી છે. જોકે, કચ્છમાં કોરોના સામે આરોગ્યતંત્ર અત્યારસુધી જાગૃતિ સાથે સામનો કરી રહ્યું છે. કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે 'અકિલા' ને આપેલી માહિતી અનુસાર આજે માંડવીના ૧૬ વર્ષના તરૂણને કોરોના ના લક્ષણો જણાતાં તેને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરીને તેના રિપોર્ટ માટેની કામગીરી હાથ ધરાઈ છે.

કચ્છમાં અત્યાર સુધીની કરાયેલ કામગીરી સંદર્ભે ડો. કન્નરે આંકડાકીય આપેલા માહિતી અનુસાર કચ્છમાં કોરોનાના ૧૪ શંકાસ્પદ દર્દીઓ પૈકી ૧૨ ના રિપોર્ટ નેગેટિવ, ૧ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૧ દર્દીનો રિપોર્ટ બાકી છે. અત્યારે કચ્છમાં ૪ દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં કોરોનાની સારવાર હેઠળ છે. અત્યાર સુધી ૯૦૪ વ્યકિતઓને હોમ કવોરેન્ટાઇનમાં જયારે ૨૧ વ્યકિતઓને ઇન્સ્ટિટ્યૂટમાં આરોગ્યતંત્રની દેખરેખ હેઠળ કવોરેન્ટાઇનમાં રખાયા છે. ઘરમાં કવોરેન્ટાઇન રખાયેલા પરિવારોએ દર્દીઓ નથી પણ તેમને સાવધાની માટે ૧૪ દિવસ કવોરેન્ટાઇન (બીજા વ્યકિતઓથી અલગ) રાખતા હોવાની સ્પષ્ટતા પણ તંત્રએ કરી છે.

કચ્છ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અત્યારસુધીમાં ૧,૪૪,૦૭૨ વ્યકિતઓની તપાસણી થઈ ચૂકી છે, જેમાં ૨૫૨ દર્દીઓને ફલુની સારવાર અપાઈ છે. તો, ઘેર ઘેર સર્વે કરનાર આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોએ ૩૬૦૯૩ ઘરોની મુલાકાત લઈને સર્વેની કામગીરી કરી છે. કચ્છ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી દ્વારા કામગીરીનું સતત મોનીટરીંગ અને રિવ્યુ કરાય છે. જિલ્લા વહીવટી તંત્રએ લોકોને પણ જાગૃત રહેવા તાકીદ કરી છે.

(10:16 am IST)