Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મોરબીના પંચાસરના ફાયરીંગ - હત્યામાં છ આરોપીઓ સોમવાર સુધી રીમાન્ડ ઉપર

હત્યામાં વપરાયેલ હથિયારો અને લોહીવાળા કપડા કબ્જે કરવા તજવીજ

મોરબી તા. ૨૪ : મોરબીના પંચાસર ગામે સહદેવસિંહ તેજુભા ઝાલા પર ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી દેવાયાના બનાવમાં પકડાયેલ છ આરોપીઓને કોર્ટે સોમવાર સુધીના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

 

પંચાસર ગામે ચકચારી ફાયરીંગ અને હત્યાના બનાવમાં આરોપી સહદેવસિંહ લાલુભા ઝાલા અને તેનો ભાઈ હિતેન્દ્રસિંહ લાલુભા ઝાલા તેમજ કાકો ભત્રીજો રાજ મહેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદ ગંભીરસિંહ ઝાલા ઉપરાંત ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા અને તેના ભાઈ વિક્રમસિંહ નાથુભા ઝાલા (સદસ્ય તા.પં.) એ છ આરોપીઓને એલસીબી અને તાલુકા પોલીસની ટીમે લજાઈ નજીકથી પસાર થતી સ્વીફટ કારમાંથી ઝડપી લીધા હતા. જે તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને આગામી સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો હતો.

તાલુકા પોલીસે હત્યામાં વપરાયેલ હથિયારો અને લોહીવાળા કપડા કયાં છુપાવ્યા છે તે અંગે તમામ આરોપીઓની પૂછતાછ હાથ ધરી છે તેમજ હત્યાના બનાવ બાદ આરોપીઓ કયાં રોકાયા હતા અને કોને આશરો આપ્યો હતો તે અંગે તપાસ હાથ ધરાઇ છે. વધુ તપાસ તાલુકાના પી.એસ.આઇ. ગોહિલ ચલાવી રહ્યા છે.(૨૧.૧૨)

(1:01 pm IST)