Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ઉર્ષે ખ્વાજાઃ અજમેરમાં કાલે છઠ્ઠી શરીફ

ગુરૂવારની નમાઝ પઢવા માટે પ્રથમ જ વાર અભૂતપૂર્વ કતારો લાગી : વડાપ્રધાન સહિતનાની ચાદરો આવી : અમિતાભ બચ્ચન સહિતનાની હાજરી : સૌરાષ્ટ્રભરમાં આજે મનાવાતી 'ઇદે ચિશ્તીયા'

વાંકાનેર, તા. ર૪ અજમેર ખાતે ખ્વાજા ગરીબ નવાઝના ૮૦૬માં ઉર્ષ પ્રસંગે પહોંચેલા મહંમદભાઇ રાઠોડ એક અહેવાલમાં જણાવે છે કે, અજમેર ખાતે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હાલના ઉર્ષ પ્રસંગે ગરમીનું તાપમાન નોંધનીય સ્વરૂપે નીચુ જોવા મળી રહ્યું છે.

ઉર્ષ પ્રારંભે વડાપ્રધાન તરફથી મોકલાવાયેલ ચાદર ચઢાવાયા બાદ, અત્યાર સુધીમાં વિવિધ રાજયોના રાજકીય નેતાઓ સહિત હજારો શ્રદ્ધાળુઓ આસ્થા સભર દરગાહ ખાતે ચાદરો પેશ કરતા જોવા મળ્યા છે. ખ્વાજા ગરીબ નવાઝના ઉર્ષમાં છઠ્ઠીનું ધાર્મિક મહાત્મ્ય વધુ હોઇ, આ પ્રસંગે હાજરી આપવા આસ્થાળુઓનો પ્રવાહ વધુને વધુ ઉમટી રહ્યો છે.

અજમેર ઉર્ષ અંતર્ગત રવિવારે ખ્વાજાના ઉર્ષની છઠ્ઠી પ્રસંગે સૌરાષ્ટ્રમાં પણ ઝૂલુસોના આયોજન થઇ રહ્યા છે.  ઉર્ષ પ્રસંગે કોમી એકતાની દૂઆઓ ગુજારાઇ હતી. ગઇકાલે શુક્રવારની નમાઝની અદાયગી વેળા અભૂતપૂર્વ આસ્થાના દૃશ્યો જોવા મળ્યા હતા. અજમેર રેલ્વે સ્ટેશનથી દિલ્હી ગેટ અને દિલ્હી ગેટથી બુલંદ ગેટ સુધી એટલી ચિક્કાર મેદની હતી કે કયાંય વચ્ચે પગ મૂકવાની જગ્યા નહોતી જોવા મળતી.

દર વર્ષે છઠ્ઠી બાદ ઉર્ષ સમાપન થવાનો આરંભ થતો હોય છે.

પરમ દિવસે અમિતાભ બચ્ચન સહિતનાએ પણ હાજરી આપી ચાદર ચઢાવી હતી.

આજે વેરાવળ, પોરબંદર, બેડી, જામનગર, ઉપલેટા, ધોરાજી અને જુનાગઢ સહિત ના ગામોમાં ઇદે ચિશ્તીયા નિમિતે જુલૂસો યોજાયા છે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં આજે છઠ્ઠી રજ્જબ હોઇ સવારના સમયે ફાતેહા ખ્વાજાના અનેક મસ્જીદોમાં કાર્યક્રમો યોજાયા હતાં.

ઉર્ષ પ્રસંગે ગઇકાલે શુક્રવારની નમાઝમાં જે મેદની ઉમટી હતી તે ઘટના અહીં પહેલી જ વાર બની છે અને નમાઝ માટેની આટલી લાંબી કતારો અભૂતપૂર્વ બની રહી છે.

(11:51 am IST)