Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં રામનવમી પર્વની ઉજવણી

શ્રીરામ ભગવાનનાં જન્મોત્સવ ઉજવવા થનગનાટઃ શોભાયાત્રા, રામધુન, ભજન, કિર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો

રાજકોટ તા. ર૪ :.. કાલે તા. રપ ને રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવ 'રામનવમી'ની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કાલે રવિવારે બપોરે ૧ર વાગ્યે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ગામેગામ ધામધુમથી ઉજવાશે.

ગોંડલ

ગોંડલ :.. ગોંડલ શહેરના ભોજરાજપરા સ્મશાન રોડ ઉપર આવેલ નૃસિંહ મંદિરે શ્રી રામચંદ્ર જન્મોત્સવનું આયોજન તા. રપ રવિવારના રોજ કરવામાં આવેલ છે આ તકે શ્રી બંસીદાસબાપુના પાદુકાપૂજન, શ્રીરામ નામ સંકીર્તન, વધાઇ સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો રખાયા હોય મહંત અતુલ બાપુ લશ્કરીની યાદીમાં જણાવાયું છે.

કેશોદ

કેશોદ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રવિવારે રામનવમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરેલ છે. રવિવારે રામનવમીના દિવસે બપોરે ૩ કલાકે માંગરોળ રોડ પરની દુદાબાપા વણપરીયાની વાડીએથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે શહેરના રાજમાર્ગો પર ફરશે. જેમાં મોટી સંખ્યામાં શહેરની ધર્મપ્રેમી જનતા જોડાશે.

વાંકાનેર

વાંકાનેર : શ્રીરામ નવમી ઉત્સવ ધામધુમથી ઉજવાશે. શ્રીરામજી મંદિરોમાં રામ જન્મોત્સવ પ્રસંગે ધર્મ-ભકિત, મહાપ્રસાદ સહિતના પાવન કાર્યા સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયુ છે.

જડેશ્વર રોડ ઉપર આવેલ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ શ્રીરામજી મંદિરે સવારે પ વાગ્યે મંગળા આરતી થશે ૮-૦૦ વાગ્યાથી શ્રીરામ યણનો પ્રારંભ થશે. આ સાથે સવારે ૯ વાગ્યે દિગ્વીજયનગર (પેડક) માં આવેલ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરેથી શ્રીરામજી ભગવાનની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થશે જે જડેશ્વર રોડ પેડક થઇને શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રીરામજી મંદિરે પહોંચશે. બપોરે ૧ર વાગ્યે નિજ મંદિરે શ્રીરામ જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાશે બાદ મહા આરતી થશે.

સાંજે ૪ વાગ્યે રામયજ્ઞ પુર્ણાહીતી હોમ સાથે બીડુ હોમાશે. તો ઉપરોકત પાવન પ્રસંગમાં સર્વે ધર્મપ્રેમી ભકતજનોને શોભાયાત્રામાં જોડાવા તથા યજ્ઞદેવના દર્શન અને બપોરે શ્રી રામજન્મોત્સવ, મહાઆરતીમાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેવા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ તથા સેવા સમિતિ અને કાનજીભાઇ પટેલે નિમંત્રણ પાઠવ્યું છે.

આટકોટ-જસદણ

જસદણ-આટકોટ : શ્રી હરિરામબાપા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હિન્દુ યુવા વાહીની દ્વારા કાલે શ્રીરામ નવમી મહોત્સવ અંતર્ગત  રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયુ છે.

આ તકે તા. રપ ને રવિવારે સવારે ૯ વાગ્યે પૂ. જલારામ મંદિરથી પ્રસ્થાન કરશે. અને સાંજે ૪ વાગ્યે રકતદાન કેમ્પ વેકરીયા ચોક, પોલાપર રોડ, ગણપતિ દાદાના મંદિર પાસે, જસદણ, ખાતે યોજાશે.

ગોંડલ

શ્રી કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા આગામી તા. ૨૫ને રવિવારે રામનવમીના દિને શ્રીરામ જન્મ મહોત્સવ હેમવાડી સ્ટેશન પ્લોટ જુના સિમેન્ટ રોડ ખાતે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ઉજવવામાં આવનાર છે, તો આ તકે સર્વેને આવાવા શાખા વિકાસ સમિતિ, સંયોજક સુરેશભાઈ રાવલ તેમજ નિર્મળસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.

મોરબી

મોરબીમાં હિંદુવાદી સંગઠનો દ્વારા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી વળશે જે શોભાયાત્રામાં વિવિધ સંગઠનના કાર્યકરો ઉપરાંત નાગરિકો જોડાશે.

તા. ૨૫ને રવિવારે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવા માટે જલારામ મંદિર ખાતે વિવિધ હિન્દુવાદી સંગઠનોની બેઠક મળી હતી જેમાં ભવ્ય શોભાયાત્રાની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. જેમાં તા. ૨૫ને રવિવારે સાંજે ૪.૩૦ કલાકે શોભાયાત્રા દરબારગઢથી પ્રસ્થાન કરશે જે સોની બજાર, ગીનચોક, નગર દરવાજે, શાકમાર્કેટ ચોક, ગાંધી ચોક, ચકિયા હનુમાન,ચિંતામણી વાળો ચોક, ત્યાંથી શનાળા રોડ રામચોક, અને ત્યારબાદ અયોધ્યાપુરી રોડ પરના જલારામ મંદિરે પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદ (ફરાળ)નું આયોજન જલારામ મંદિર દ્વારા કરવામાં આવશે. શોભાયાત્રા માં સૌ પ્રથમ બાઈક ત્યારબાદ રામ ભગવાન નો રથ, ઙ્ગડીજે સાથે બધા સંગઠન ના ફલોટ, ધર્મપ્રેમી નાગરિકો અને છેલ્લે બાઈક આ રીતે શોભાયાત્રા યોજવામાં આવશે તેમજ શોભાયાત્રામાં સંગઠનના હોદેદારો અને કાર્યકરો સાફો અને ખેસ પહેરીને જોડાશે. રામનવમીની શોભાયાત્રામાં દરેક ધર્મપ્રેમી જનતાએ જોડાવવા શિવસેના પ્રમુખ કમલેશ બોરીચા અને મોરબી બજરંગદળ પ્રમુખ કમલ દવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રામ....રામ... રટત રહુ...

રામ રામ ભજત મે ફિરતા કિરદાર

રટણ મૌહે લાગા બજંતા કિરતાર

હનુંમત સેવક રામ કા કરે લંકા. પાર

મે ઠહરા મનુષ્ય સંસાર ઉતારે પાર

સીતારામ શ્વાસે શ્વાસ માલા ફિરું અપાર

સુવત ભગત બાર બાર કરું પોકાર

જૈસી લાજ રખી શબરી મીઠ બોર ચાર

વૈસી ચાહના રખું દર્શન દિયો એકબાર

રાવણ માર્યો લંકા તણી પ્રભુ આ મોઝાર

લાયી સિતા અયોધ્યા રામ કા જય જય કાર

શબ્દ મેરા સરુચા હોવે આયો કળયુગ અપાર

 જો ભી રૂપ મે આર્ય દર્શન દિયો એકબાર

કવિ.... રાજગોર રમેશ એ.

મો. ૯પ૩૭૯ પર૮૮૮

વાંકાનેર

શ્રી રામનવીનું શાસ્ત્રોકત મહાત્મ્ય

ભગવાન શ્રી રામને પ્રાગટય દિવસ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીરામ તથા રામનવમી વિશે શાસ્ત્રોમાં જે માહિતી આપવામાં આવી છે, જે સંક્ષીપ્તમાં અહિં રજુ કરાઈ છે.

શ્રી રામનવમી તિથી પ્રારંભ ચૈત્ર શુકલ અષ્ટમી, તા.૨૫ને રવિવાર, સવારે ૦૮ ક.૦૨મી.,શ્રી રામનવમી તિથી પૂર્ણ ચૈત્ર શુકલ નોમ, તા.૨૬ને સોમવાર, સવારે ૦૫ ક.૫૪ મી., શ્રી રામનવમી પૂજા મર્હુત- ચૈત્ર શુકલ અષ્ટમી, તા.૨૫ને રવિવાર, સમય૧૧:૪૦ થી

શાસ્ત્રનું પ્રમાણઃ શ્રી નારદ મહાપુરાણ પૂર્વ ભાગ, ચતુર્થવાદ, વકતાઃ સનાતમ (ભગવાન શ્રી બ્રહ્માના માનસપુત્ર), શ્રોતાઃ શ્રી નારદજી, રામનવમીનો પરિચયઃ ચૈત્ર મહિનાના શુકલ પક્ષમાં નવમી તિથી ભગવાન શ્રીરામનો પ્રાગટય દિવસ રામનવમી તરીકે ભકિતપૂર્વક ઉજવવામાં આવે છે., રામનવીનું વ્રતઃ જો અનુકુળ હોય તો તે દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરવો, અશકત મનુષ્યએ મધ્યાહને શ્રીરામનો જન્મોત્સવ થાય તે પછી એક સમય ભોજન કરવું., રામનવમીએ દાનઃ મનુષ્યએ પોતાની શ્રધ્ધા અને શકિત મુજબ ભગવાન શ્રીરામની પ્રસન્નતા માટે બ્રાહ્મણો તથા જરૂરીયાતવાળા લોકોને મિષ્ટાન સહિત અન્નદાન ગાય, ભૂમિ, તલ, સુવર્ણ, વસ્ત્ર અને આભૂષણ વગેરેનું દાન કરવું.

રામનવમીના વ્રતનું ફળઃ જે મનુષ્ય આ રીતે ભકિતપૂર્વક શ્રીરામનવીમનું વ્રત કરે છે, તે પોતાના પાપોનો નાશ કરીને શ્રીવિષ્ણુ ભગવાનના પરમધામમાં જાય છે., શાસ્ત્રનું પ્રમાણઃ સ્કંદમહાપુરાણ- બ્રહ્મખંડ- ચાર્તુમાસ મહાત્મ્ય વકતા- ભગવાન શ્રી શંકર શ્રોતા- માતા પાર્વતી

રામ નામનું મહાત્મ્યઃ જે પરમાત્મા સ્થાવર- જંગમ- સર્વ પ્રાણીઓમાં અંતર્યામી આત્મારૂપે રમી રહયાં છે. તે પરમાત્મા રામ કહેવાય છે. દેવો પણ રામ નામના ગુણગાન ગાય છે., હે દેવી પાર્વતી ! તમે પણ રામ નામનો જાપ કરો., આ પૃથ્વી પર રામ નામથી વધીને કોઈ પાઠ કે જપતપ નથી., રામએ મંત્રોનો રાજ છે. તેનાથી સહસ્ત્ર નામોનું ફળ મળે છે., રામએ સર્વ તિર્થોનું ફળ કહેવાય છે., રામએ બે અક્ષરનો મંત્ર સર્વ પાપનો નાશ કરનાર છે., મનુષ્ય હરતાં- ફરતાં સુતી વખતે પણ રામનામનું સ્મરણ કરે તો શ્રીરામની કૃપાથી સુખી થાય છે.

શાસ્ત્રનું પ્રમાણઃ શ્રીમદ્ ભગવત સ્કંધ-૯, અધ્યાય- ૩૦ વકતા- શ્રી યમરાજ, શ્રોતા- સાવિત્રી, રામનવમીના વ્રતનું મહાત્મ્યઃ જે મનુષ્ય ભરતખંડમાં રામનવમીનું વ્રત કરે છે તે સાત મન્વંત્રો સુધી વૈકુંઠમાં આનંદ કરે છે. મનુષ્ય જન્મ પામીને તે શ્રી રામભકિત મેળવે છે.

 સંકલનઃ નિશીથ ઉપાધ્યાય, મો.૯૨૨૭૫ ૪૬૫૫૫

(11:47 am IST)