Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

જૂનાગઢમાં ત્રણ દુકાનો તોડનાર દેવીપૂજકની કબૂલાત : મજૂરીકામમાં લોકડાઉનના લીધે મંદી આવી જતા ચોરીઓ કરી

જૂનાગઢ તા. ૨૪ : માનગનાથ રોડ ઉપર આવેલ શ્યામ પ્લાઝા કોમ્પ્લેકસમાં દીપ એજન્સી નામની દુકાન તથા અન્ય બે દુકાન મળી, ત્રણ દુકાનોમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં ગણતરીના કલાકોમા જ આરોપીને એ ડિવિઝન પોલીસની સતર્કતા ના કારણે પકડી પાડવામાં આવેલ છે.

રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા પોલીસ વડા રવિ તેજા શેટ્ટી દ્વારા મિલકત વિરુદ્ઘના ગુન્હાઓ શોધી કાઢવા અને ચોરી, લૂંટ, ઘરફોડ, વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલિક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ છે.

ગઈ તા. ૨૨.૦૨.૨૦૨૧ ના રાત્રી દરમિયાન માંગનાથ રોડ, શ્યામ પ્લાઝા ખાતે આવેલ ફરિયાદી હરેશભાઇ ઈશ્વરભાઈ ચાંદારણાની દીપ એજન્સી નામની કટલેરીની દુકાનના તાળા તોડી, હેરબેલ, હેરકલીપ, હેરપીન, શીંગાર, અરીસા,વિગેરે કિંમત રૂ. ૩૫,૦૦૦નો સામાન તેમજ અન્ય આજુબાજુની બર દુકાનોમાંથી પણ રોકડ અને પ્લાસ્ટીકની વસ્તુ મળી કુલ રૂ. ૩૫,૪૯૦ની ચોરી કરવામાં આવતા, વેપારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન જાણ કરતા, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએઆઈ એ.કે.પરમાર, હે.કો. માલદેભાઈ, પો.કો. સુભાષભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, મોહસીનભાઈ, વિક્રમસિંહ, દીનેશકુમાર, પ્રવીણભાઇ, સંજયભાઈ, સહિતના સ્ટાફના માણસોની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા મળેલ બાતમી આધારે આરોપી મહેશ રાજુભાઇ સોલંકી દેવીપૂજક ઉવ. રહે. સુખનાથ ચોક પાસે, જૂનાગઢને રાઉન્ડ અપ કરી, આ ઘરફોડ ચોરીમાં ગયેલ રૂ. ૨૨,૨૨૦ના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી મહેશ રાજુભાઇ સોલંકી પૂછપરછ કરવામાં આવતા, પોતે મજૂરી કામ કરતો હોય, લોક ડાઉન આવતા, કામમાં મંદી આવેલ હોઈ, રૂપિયાની જરૂરિયાત હોઈ આ કોમ્પ્લેકસમાં ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી.

(12:42 pm IST)