Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ધ્રાંગધ્રાના રાજ ચરાડીની સીમમાંથી ૧.૬૨ લાખનો દારૂ ઝડપાયોઃ પણ આરોપી નાશી છુટયો

ધ્રાંગધ્રા વાદીપરામાં દેશીદારૂનું બેફામ વેચાણઃ પોલીસને નજરે પડતું નથી

વઢવાણ,તા.૨૪: સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સીમમાં મોટાપાયે બુટલેગરો દ્વારા ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી તેને વેચાણ અને કટીંગ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.

જેને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સૂચનાથી પ્રોબેશનલ એ.એસ.પી. સૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ તાલુકા પી.એસ.આઈ. ડી.બી. ઝાલા સહિતના સ્ટાફે બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.

દરમિયાન રાજચરાડી ગામની સીમમાં આરોપી મનોજ પરી મહેન્દ્ર પરી ગોસાઈ રહે. હામપર, તા.ધ્રાંગધ્રાવાળાએ વાવણી અર્થે રાજચરાડી ગામના ભરતભાઈ પટેલની વાડી રાખી હોય તેની કબજા ભોગવટાવાળી વાડીની ઓરડીમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૩૨ કિંમત રૂ.૧,૬૨,૪૦૦/- સહિતના મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જયારે રેડ દરમિયાન આરોપી હાજર મળી ન આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ વધુ તપાસ હાથ ધરી હતી.

દેશી દારૂનું બેફામ વેચાણ

ધ્રાંગધ્રાઃધ્રાંગધ્રા પંથકમાં બુટલેગરો બેફામ બની ગયા છે. વાદીપરા વિસ્તારમા ખુલ્લેઆમ ચલાવતા દેશીદારુના ઠેકા ધાર્મિક સ્થળોને કલંક લગાવવાનું હીન કાયઁકરતા હવે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે જેમા ધ્રાગધ્રા-માલવણ હાઇવે પર આવેલા વાદીપરા વિસ્તારમા છેલ્લા કેટલાક સમયથી દેશીદારુના ઠેકા ચાલે છે આ વાદીપરા વિસ્તાર પાસે ગૌશાળા તથા મંદિર આવેલું છે. દેશીદારુના ઠેકા પર દરરોજ દારુપીવાની કુટેવો ધરાવતા અસામાજીક તત્વો જેમ તેમ અપશબ્દો બોલતા હોય છે અને દારૂ પીવા બાદ દારૂની ખાલી કોથળી ગૌશાળા અને મંદિરની પાસે ફેકી દે છે જેથી હિન્દુના પવિત્ર મંદિરે આવતા દર્શનાથી ઓમા ખુબ જ રોષ ફેલાયો છે. ગૌશાળા તથા મંદિર પાસે ચાલતા દારૂના અડ્ડાન સ્થાનિકોમા રોષ ભભુકતા આ અહેવાલ હાલમાં જ પ્રિન્ટ મિડીયામાં પ્રસિધ્ધ થયો હતો જયારે બાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હરકતમા આવી દેશી દારૂના અડ્ડા પર દરોડા કરવા નિકળી ગયા હતા પરંતુ કહેવત છે ને કે ઘોડા છૂટી ગયા પછી લગામ ન બંધાય તેવો ઘાટ ઘડાયો હતો જોકે તાલુકા પોલીસની ટીમ વાદીપરા વિસ્તારમા પહોંચ તે પહેલા જ દેશી દારુ વેચાણ કરનારાઓને પોલીસ આવવાની જાણ થતા બધુ સગેવગે થયુ હતુ. જેથી પોલીસે સબ સલામત હોવાનુ રટણ શરુ કયોઁ છે પરંતુ હજુય દેશી દારુનુ વેચાણ શરુ કરાયુ છે. જયારે હાલમાં વાદીપરા વિસ્તારમા ચાલતા દારૂના ઠેકા તો બંધ કરી દેવાયા છે પરંતુ દારુ પીવા આવતા કેટલાક લોકોને વાદીપરા વિસ્તારથી દુર રાખી તેઓને દારુ પહોચાડવાનો ધંધો શરુ કરાયો છે. ત્યારે વાદીપરા વિસ્તારમા કુલ ચારથી પાંચ જેટલા દારૂના અડ્ડા ચાલતા હોવાની જાણ સ્થાનિક તાલુકા પોલીસને લોકોએ જાણ કરી છે. ત્યારે હવે અહિ કાર્યવાહી થાય છે કે કેમ તો સમય જ કહેશે.

(1:47 pm IST)