Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

સુરેન્દ્રનગરના ઓબક ગામ નજીક ત્રિપલ અકસ્માત એકનું મોતઃ પાંચને ઇજા

તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા

 વઢવાણ,તા.૨૪: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે લખતર તાલુકાના કડુ-ઓળક રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતનું મોત નિપજયું હતું. જયારે અન્ય ત્રણથી ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોની અમદાવાદ - સુરેન્દ્રનગર રૂટની એસ.ટી.બસ મુસાફરો ભરીને અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી.દરમિયાન લખતર તાલુકાના ઓળક ગામ પાસે રાત્રીના સમયે સુરેન્દ્રનગરથી મુસાફરો ભરેલી અમદાવાદ તરફ જઈ રહેલ બોલેરો પીકઅપ ગાડી અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જયારે આ એસ.ટી.બસ પાછળ આવતા એક ટ્રકના આગળના ભાગમાં પીકઅપ વાન ઘૂસી જતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે એસ.ટી.બસના ચાલકને કોઈ ઈજાઓ પહોંચી ન હતી પરંતુ પીકઅપ વાનમાં મુસાફરી કરી રહેલ એક વ્યકિતનું મોત નિપજયું હતું જયારે અન્ય પાંચ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતાં.

રાત્રીના સમયે ત્રિપલ અકસ્માતના કારણે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ આ અકસ્માતની જાણ થતાં લખતર પી.એસ.આઈ. વાય.એસ. ચુડાસમા સહિતનો પોલીસ કાફલો દ્યટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જયારે લખતર સરકારી દવાખાનાના ફરજ પરના ડોકટરે તમામ ઈજાગ્રસ્તો પૈકી બે ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્તો રાજસ્થાન તરફના હોવાનું બહાર આવ્યું હતું અને સુરેન્દ્રનગર જિલ્લામાં કામ કરવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જયારે આ અકસ્માત દરમિયાન લખતર ૧૦૮ના પાઈલોટ જયપાલસિંહ રાણા, ઈ.એમ.ટી. દાજીભાઈ રોજાસરા સહિતનાઓએ સફળ કામગીરી કરી હતી.

(1:47 pm IST)