Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

ગાયત્રી આશ્રમ ગધેથડમાં પૂ. લાલબાપુની લાખો ભાવીકો સામુહિક વંદના કરશે

ધર્મસભા સંબોધશેઃ વિજયભાઇ રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા, આર.સી.ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઇ રાદડીયા ઉપસ્થિત રહેશેઃ ચોથી માર્ચે ભવ્ય આયોજન

રાજકોટ, તા., ર૪: ઉપલેટા તાલુકાના ગધેથડ ખાતે તા.૪ માર્ચને રવિવારે પૂ. લાલબાપુ તથા પૂ. રાજુભગતના ર૧ મહિનાનું અનુષ્ઠાન પુર્ણ થવા પ્રસંગે સંતવાણી તથા ધર્મસભાના આયોજનો કરવામાં આવ્યા છે. મહોત્સવ દરમિયાન તા.૩ માર્ચના શનિવારે દિવ્યાંગ કેલીપર્સ હાથ-પગનો કેમ્પ યોજાશે. તા. ૧ થી ૪ બાળકો માટે મસ્તીના ખજાના જેવો આનંદ મેળો થશે. તા.૪ ના અંતીમ દિને સાંજે ચાર વાગ્યે મુખ્ય સમારોહ આયોજીત થયો છે. ૪ થી ૬ વાગ્યા દરમિયાન ધર્મસભાનું આયોજન કરાયું છે. જેમાં ર૧ મહિનાની ગહન મંત્ર સાધના બાદ સાધનાખંડમાંથી બહાર પધારીને ધર્મસભામાં આવશે. દર્શન તથા આશીવર્ચન આપશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઇ રાદડીયા, આર.સી.ફળદુ તથા પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.

ગધેથડ ગાયત્રી આશ્રમના પૂ. લાલબાપુ વર્ષોથી એક મંત્રમાં લીન બન્યા છે. તેઓશ્રીએ ગાયત્રી મંત્રોના કરોડો જાપ અસંખ્ય અનુષ્ઠાનો કર્યા છે. મહોત્સવમાં આ મંત્રનો દિવ્ય પ્રભાવ પથરાશે. ર૧ મહિના દીર્ઘ અનુષ્ઠાનમાંથી તેઓ બહાર પધારવાના છે.

પૂ. લાલબાપુના ગુરૂ ઢાંકના શ્રી મગનલાલ જટાશંકર શાસ્ત્રીજી છે. રાજુ ભગત પૂ. બાપુ સાથે રહે છે અને સાધનામય જીવનનો રોમાંચ માણે છે. ઉપરાંત દોલુ ભગત પણ પૂ. બાપુની સેવામાં અને સાધનામાં વ્યસ્ત રહે છે.પૂ. લાલબાપુ આયુર્વેદ ઔષધીઓના જાણકાર છે. અસંખ્ય લોકોના દુઃખ દર્દ દુર કર્યા છે. ગધેથડ આશ્રમના સેવકો પાસે અપાર પરચાના લીસ્ટ છે. અહી નિર્માણ થયેલ મંદિરની ઉર્જા અનન્ય છે. ગાયત્રી મંદિરનું નિર્માણ શિલ્પ વાસ્તુ અને ગ્રહશાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું છે. મંદિરમાં ધ્રાંગધ્રાના પથ્થરમાંથી સ્તંભ, મંડોવર, ચોકી, કમાનો તથા ઘુમ્મટોમાં આબુ તથા દેલવાડાના ડિઝાઇન બનાવાઇ છે. સમગ્ર મંદિર નિર્માણમાં કોઇ સ્થાને લોખંડ વાપરવામાં આવ્યું નથી. ગાયત્રી મંત્રના ગહન ઉપાસક પૂ. લાલબાપુ અને પૂ. રાજુભગત ર૧ મહિનાની ગહન મંત્ર સાધના પુર્ણ કરીને બહાર પધારી રહયા છે. આ મંગલ અવસરે અલૌકીક દ્રશ્ય સર્જાશે. દેશ-વિદેશથી લાખો ભાવીકો ઉમટી પડશે. આગામી ૧ થી ૪ દરમિયાન વિશેષ મહોત્સવનું દિવ્ય આયોજન ગાયત્રી આશ્રમ-ગધેથડ ખાતે થયું છે.

ચાર દિવસીય મહોત્સવ માટે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહયો છે. અલગ-અલગ સમીતીઓ ઉત્સાહભેર કામે લાગી ગઇ છે. ૩૬૦૦  સ્વયંસેવકો સેવા આપનાર છે. ૧૦૦૦ સ્વયંસેવકો સ્ટેન્ડબાય રખાયા છે.

૫૦૦ થી ૬૦૦ વીઘા જમીન પર રોશની ઝળહળશે. આ માટે ૧૦૦ ફુટની એક એવી ૧૦ હજાર સીરીઝ ગોઠવવામાં આવી છે. માતાજીનું મંદિર ભવ્યતાથી શણગારવામાં આવશે. ૩૦ ફુટ ઉંંચા બાવીસ લાઇટ ટાવર્સ ઉભા કરાશે. લાઇટીંગ દર્શનીય બનશે. આ ઉપરાંત સમગ્ર મહોત્સવ ર૦ બાય ૧૦ની સાઇઝના સાત એલઇડી સ્ક્રીન પરથી પણ માણવા મળશે. જીટીપીએલ પરથી જીવંત પ્રસારણ પણ થનાર છે. મહોત્સવમાં લાખો ભાવીકો ઉમટી પડનાર છે. આ માટે સુરક્ષા પણ અદભુત વ્યવસ્થા રહેશે. રપ ફુટ ઉંચા વોચ ટાવર નિર્માણ કરાશે. ઉપરાંત સમગ્ર મહોત્સવ સ્થળને સીસીટીવી કેમેરાની નજર તળે આવરી લેવાશે.

મહોત્સવમાં પધારનારા ભાવીકોને પાર્કીંગની મુશ્કેલી ન પડે તે માટે અદભુત આયોજન થયું છે. પાર્કીગ સમીતીએ પ૦૦ વિઘા જમીન પર આ સુવિધા ગોઠવી છે. નાગવદર, ગધેથડ, કોલકી સાઇડ પાર્કીગ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સમીતીમાં તાલીમબધ્ધ પ૦૦ સ્વયંસેવકો સેવા આપશે.

સમગ્ર મહોત્સવ દરમિયાન ૧૧૪ ગામોને ધુમાડાબંધ આમંત્રણ અપાયું છે. મહોત્સવનો ચારેય દિવસે શુધ્ધ ઘીના મિષ્ટાન સહીત ભોજન પ્રસાદ દરેક ભાવીકને પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. રસોડાનો કોન્ટ્રાકટ-સદગુરૂ કેટરર્સ-ઇડરવાળા જીતુભાઇ તથા રાજુભાઇ સોનીને આપવામાં આવેલ છે. મંડપ સર્વિસનો કોન્ટ્રાકટ પટેલ મંડપ સર્વિસ એન્ડ લાઇટ ડેકોરેશન અમરેલીના વજુભાઇ પટેલને આપવામાં આવેલ છે. ફોટા તેમજ વિડીયો શુટીંગનો કોન્ટ્રાકટ બંસી ફિલ્મ જુનાગઢના જેતસીભાઇ મુળીયાસાને આપવામાં આવેલ છે. સમગ્ર મહોત્સવમાં વિવિધ શુધ્ધ સામગ્રી રસોઇ વિભાગ દ્વારા વપરાશે. જે અંગે વિગતો આપતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે અમુલનું શુધ્ધ ઘી ૪પ૦ ડબ્બા, તેલના કુલ ૭પ૦ ડબ્બા ઉપરાંત ૧૦,૦૦૦ કિલો ચણાનો લોટ, ૮૦૦૦ કિલો ઘઉંનો લોટ, ૧૬૦૦૦ કિલો ખાંડ ૧૧૦૦૦ કિલો ચોખા, પપ૦૦ કિલો તુવેરદાળ ૬૦૦૦ કિલો અડદનો લોટ રપ૦૦ કિલો મગફાળા ર૦૦૦ કિલો ખીચડીયા ચોખા ૧૪૦૦૦ કિલો શાકભાજી રપ૦ કિલો કાજુ, ૧પ૦ કિલો બદામ, ૩૦૦ કિલો કિસમીસ ૭પ કિલો અડદીયાનો મસાલો ૪૦ કિલો એલચી, ૧ર કિલો જાવંત્રી, ૩૦૦૦ કિલો ચાની ભુકી ૭૦૦૦૦ લીટર દુધ વપરાય તેવી ધારણા છે. સમગ્ર મહોત્સવ દરમિયાન લાખો ભાવીકો ભોજન પ્રસાદ લે તેવું અનુમાન છે.

મહોત્સવ દરમિયાન ર૪ કલાક ચા-પાણી મળશે. છ કેન્ટીન ગોઠવાઇ છે. જયાં અવીરત આ વિતરણ થશે. માત્ર આ માટે ૭૦૦૦૦ લીટર દુધ વપરાશે. આશ્રમમાં ભાવીકો માટેની ચામાં કયારેય પાણી ન નાખવા પૂ. બાપુની સુચના છે. ૧પ મીનીટમાં ૪૦,૦૦૦ લોકો ભરપેટ ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. ભોજન ઉપરાંત મહોત્સવની પાણી સમીતીએ મહોત્સવના તમામ સ્થળે પાણી મળી રહે તેવી ગોઠવણ કરવામાં આવી છે. ૬૦૦૦ ફુટ પાઇપ લાઇન ગોઠવવામાં આવી છે. ૩પ સ્થાને પીવાના પાણીના પરબ ઉભા કરાયા છે. તમામ સ્થાને વોટર સપ્લાય મળી રહે તેવુ આયોજન છે. સાથે સાથે હાઇ બોન્ડ સીમેન્ટ રાજકોટના માલીક મનસુખભાઇ પાણ તથા વલ્લભભાઇ વડાલીયા તરફથી વરીયાળી સરબતની વ્યવસ્થા તથા બાન લેબવાળા રાજકોટ મૌલેશભાઇ પટેલ તરફથી સ્વયં સેવકને ટોપી આપવામાં આવશે.

ગધેથડ ખાતે યોજાનાર મહોત્સવમાં આનંદ મેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ રમઝટ બોલશે. આ દિવસે પુ. લાલબાપુ તરફથી ઉપલેટા શહેર તથા તાલુકાના સમસ્ત ગામોમાં ગૌમાતાને નિરણ, કુતરાને લાડવા, પંખીને ચણ, કડીને કડીયારૂ માછલીને બુંદીદાણા આપવાનું આયોજન થયું છે. ધર્મસભા બાદ સાંજે ૭.૩૦ વાગ્યે જામનગરની રાજ શકિત રાસ મંડળી દ્વારા ભવ્યાતીભવય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૪ ના રાત્રે ૧૦ વાગ્યે સંતવાણીની અભુતપુર્વ રમઝટ બોલશે. નિરંજન પંડયા, કીર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર, ધીરૂભાઇ સરવૈયા, બ્રિજરાજદાન ગઢવી જમાવટ કરશે. નામાંકીત સંગીતકાર પંકજ ભટ્ટ અને તેનું ગ્રુપ ગેબી ધ્વની સાઉન્ડ નટુભાઇના સથવારે જમાવટ કરશે. જેનું સંચાલન દેવરાજ ગઢવી કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. ગાયત્રી આશ્રમ ગધેથડ ગામે ભાવીકોના તથા આધ્યાત્મીક આનંદનો દરીયો ઘુઘવશે. વધુ વિગત માટે જયેશ વ્યાસ (રાજકોટ) મો. ૯૪ર૭ર ર૧૧૦૦ અથવા સુખદેવસિંહ વાળા (ગધેથડ) મો. ૯૦૯૯૪ ૦પ૦૪૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

પૂ. લાલબાપુ ભૌતિક સુખથી પર છે

રાજકોટઃ શ્રી ગાયત્રી આશ્રમની અંદર પુ.લાલબાપુ ટેલીફોન, મોબાઇલ, ગાડી, ટુવ્હીલ એસી એવી કોઇ પણ વસ્તુ આશ્રમમાં છે જ નહી અને મોબાઇલનો સ્પર્શ પણ કરતા નથી. ભૌતીક સુખ પૂ. લાલબાપુએ કયારેય માણ્યું નથી અને સાદગીભર્યુ જીવન વિતાવે છે. સુવાનું આશન સાદી ગોદડી ઉપર સુવે છે. આખી જીંદગી ભજન, ભોજન અને દીન દુખિયાની સેવાએ મુખ્ય હેતુ છે.

આશ્રમમાં નાના મોટા માણસોનો કોઇ પણ ભેદભાવ રાખવામાં આવતો નથી. આરોગ્ય માટે દુઃખીયાને દેશી દવા અને ગાયત્રી માતાજીના આશીર્વાદ દ્વારા અસાધ્ય દર્દમાંથી મુકિત આપવાનો મહાયજ્ઞ અવિરત ચાલી રહયો છે.

(11:44 am IST)