Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૬ ગામની ૩૦ ટકા વિદ્યાર્થીનીઓએ જાતીય સતામણીના કારણે શાળા છોડી

ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ અને સ્વાતિ સંસ્થાએ સંયુકતપણે કરેલા સર્વેમાં સામે આવ્યું : ૧૯ ટકા વિદ્યાર્થીનીઓની શાળાના રસ્તે છેડતી, શાળા જવાનો રસ્તો બદલ્યો : ૫૯ ટકા વિદ્યાર્થીનીઓ કહ્યું યુવાનો કમેન્ટસ અને ગીત ગાઇને છેડતી કરે છે

વઢવાણ તા. ૨૪ : ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ અને સ્વાતિ સંસ્થાએ સંયુકતપણે કરેલા સર્વેમાં સામે આવ્યુ છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ૧૬ ગામમાં ૩૦ ટકા વિદ્યાર્થિનીઓએ જાતીય સતામણી કારણે ભણવાનું છોડ્યું છે. દસાડા અને પાટડી વિસ્તારના ગામોમાં કરેલા સર્વેમાં સામે આવ્યું છે કે, ૧૯ ટકા વિદ્યાર્થિનીઓની શાળાના રસ્તે છેડતી થાય છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં ૩૮ ટકા મહિલાઓ પણ જાતીય સતામણીનો ભોગ બની રહી છે.મોટાભાગે વિદ્યાર્થીની અને મહિલાઓ સામે જોઇને ગીતો ગાવા, ટિપ્પણી કરવી, મોબાઇલ ફોન પર મેસેજ મોકલવા, સંમતિ વિના ફોટા લેવા, આંખ મારવી, હાથ પકડવો, અશ્લિલ હરકત કરવી જેવી જાતિય સતામણી કરવામાં આવે છે. ૫૯ ટકા વિદ્યાર્થી-મહિલાઓનુ કહેવુ છે કે, લોકો કમેન્ટસ પાસ કરીઅનેગીતો ગાઇ છેડતી કરે છે. ૧૯ ટકા વિદ્યાર્થીનીઓની છેડતી શાળાના માર્ગ પર થાય છે જયારે ૫૩ મહિલાઓની કામ કરવાના સ્થળે જાતિય સતામણી થાય છે. ૪૩ ટકા છોકરીઓ અને ૫૭ ટકા મહિલાઓ એવું કહે છે કે, સતામણીથી બચવા વહેલા લગ્ન કરી લેવા જોઇએ.દસાડા અને પાટડી વિસ્તારના ગામડાઓમાં ૧૨૦૦ વિદ્યાર્થીની-મહિલાઓને પૂછતાં સર્વેમાં એવા તારણો બહાર આવ્યાં કે, ૧૮ ટકા વિદ્યાર્થીનીઓએ તો છેડતીને કારણે શાળાનો રસ્તો જ બદલી નાંખ્યો હતો. ૩૦ ટકા વિદ્યાર્થીનીઓ તો શાળાએ જવાની સુવિધાના અભાવે જ શાળાએ જવાનુ છોડી દીધું. કેમકે, વિદ્યાર્થીઓ તો સાઇકલ લઇને ય શાળામાં પહોંચી જાય છે. બેડટચને કારણે વિદ્યાર્થીનીઓ બસ કે જીપમાં જતાં ખચકાટ અનુભવે છે.આ સર્વેમાં સામે આવ્યું કે, શહેરોની જેમ ગામડાઓમાં પણ યુવાઓમાં મોબાઇલ ફોનનો ધૂમ વપરાશ છે. ૯૬ ટકા યુવાનો મોબાઇલ ફોન વાપરે છે. જયારે માત્ર ૧૯ ટકા જ છોકરીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. ૨૬ ટકા યુવાનો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જયારે માત્ર ૪.૩ ટકા છોકરીઓ ઇન્ટરનેટ વાપરવાનું જાણ છે.

(1:04 pm IST)