Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

આટકોટમાં નવનિર્મિત પોલીસ ભવનનું લોકાર્પણ-આવાસોનુ ભુમિપૂજન ઇશ્વરભાઇ પરમારના હસ્તે સંપન્ન

આટકોટઃ આટકોટ ખાતે નવા બનાવવામાં આવેલ પોલિસ ભવનનું લોકાર્પણ અને આવાસોનું ભુમિ પૂજન કેબીનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમાર જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરા રેન્જ આઇ.જી.સંદિપસિંહા પોલિસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું.

સાડા આઠ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર પોલિસ ભવન અને આવાસોના ભૂમિપુજન કાર્યક્રમમાં મંત્રીશ્રીનું અને બીજા મહાનુભાવોનું પોલિસ બેન્ડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

ઇશ્વરભાઇએ પોલિસ ભવનમાં શ્રીફળ વધેરી રીબીન કાપી લોકાર્પણ કર્યુ હતું. ઇશ્વરભાઇએ પોલિસની કામગીરી અને સરકારની વિકાસ લક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત વિશાળ જનસંખ્યાને જાણ કારી આપી હતી.

પૂર્વ ધારાસભ્ય ડો.ભરત બોઘરાએ પણ પ્રાસંગીક પ્રવચન કરી સરકારની કામગીરી વર્ણવી હતી.

રાજકોટ જીલ્લા અધિક્ષક બલરામ મીણાએ આટકોટ ખાતે સ્વતંત્ર પી.એસ.આઇ. પોલિસ સ્ટેશન બનાવતા પોલિસ સ્ટેશન હેઠળ આવતા ૨૫ જેટલા ગામોમાં અસામાજિક બદીઓ ડામવા લોકોને આગળ આવવા જણાવ્યુ હતું.

આ પ્રસંગે જુદા જુદા ગામના સરપંચો, ગ્રામજનો, ભાજપના કાર્યકરો, સંગઠનના હોદેદારો, ખાનગી શાળાના સંચાલકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સુંદર કાર્યક્રમનું આયોજન જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ આટકોટના પી.એસ.આઈ. કે.પી. મેતા અને આટકોટના પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(11:59 am IST)