Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર

સૌરાષ્ટ્રની જનતાએ વિધાનસભાની જેમજ સહકારી ક્ષેત્રના ભાજપીઓને હટાવવા પડશેઃ ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ ડાંગરનો રોષ

ઉપલેટા તા.૨૪: જીલ્લા આહીર આગેવાન અને ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગરે ભારે રોષ સાથે એક નિવદેનમાં જણાવેલ છેકે તાજેતરમાં ભાજપના મળતીયાઓનો એક મસમોટુ કૌભાંડ બહાર આવ્યુ છે જેના સમગ્ર રાજયમાં ઘેરા પડઘા પડ્યા છે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઓછા વજન ઉપરથી ધુળ અને કાંકરાની ભેળસેળ નબળી કોલેટીની ખરીદી કરી સંચાલકો દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કરી ગેરરીતી આચરવામાં આવી છે આ ભ્રષ્ટાચારનો આંકડો દિવસે દિવસે વધતો જાય છે છતાં પણ ભાજપના ટોચના કોઇ આગેવાનનું પેટનું પાણી પણ હલતુ નથી આવી મંડળીના મોટા ભાગના સંચાલકો ભાજપના આગેવાનો કે તેમના મળતીયાઓ છે તેને કારણે ''મોસાળે જમણ અને મા પીરસે'' તેવો ઘાટ ઉભો થયો છે મગફળીની ખરીદી કરતી તમામ નોડલ એજન્સી તરીકે ભાજપ સાથે જોડાયેલા લોકોનેજ મંજુરી આપવામાં આવી છે કોંગ્રેસ પ્રેરીત કોઇ મંડળીને આવી ખરીદી કરવાની મંજુરી આપવામાં આવી નથી તેમાંયે જરૂરીયાતવાળા નાના અને સીમાંત ખેડુતો રહી જવા પામ્યા છે તેને બદલે જેતે સંચાલકોએ પોતાના સગા સબંધી કે તેમના મળતીયાઓનીજ મગફળી ખરીદી છે તેમાંયે નબળી મગફળી માથેથી  ઓછા વજન અને તેમાં ધુળ કાંકરાની ભેળસેળ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

અંતમાં તેમણે જણાવેલ કે ગરીબી અને ખેડુત વિરોધી આ ભાજપ સરકારને ખાસ કરી સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચુટણીમાં જે પરચો બતાવ્યો તેવીજ રીતે સહકારી ક્ષેત્ર સહીત જીલ્લા તાલુકા પંચાયત કે નગરપાલીકા સહીતના ક્ષેત્રોમાંથી તેમને હટાવવા પડશે તેમાંયે મોટાભાગની સહકારી સંસ્થાઓ ઉપર ભાજપનાજ આગેવાનોકે તેમના મળતીયા ભ્રષ્ટાચારીઓ સતા સ્થાને છે અને સહકારી માળખુ ખેડુત સભાસદોના મતોથીજ રચાય છે ત્યારે ખેડુતોએ હવે વધુ જાગૃત થવુ પડશે અને આવા તમામ ક્ષેત્રોમાંથી ખેડુત અને ગરીબ વિરોધી આ ભ્રષ્ટાચારી ભાજપના મળતીયાઓને હટાવવા પડશે ત્યારેજ ખેડુતો ગરીબો અને શ્રમજીવીઓનું કલ્યાણ થશે તેવું અંતમાં જણાવેલ છે.

(11:28 am IST)