Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

જાફરાબાદ પાલીકાના કાઉન્સીલર તુલસી ઉર્ફે ચાઇનીઝવાળા સજય બારૈયાની પાસા હેઠળ અટકાયત કરવાના હુકમને હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો

અમરેલી: જાફરાબાદ નગરપાલિકાના કાઉન્સિલર તુલસીભાઇ ઉર્ફે ચાઇનીઝવાળા અને નગરપાલિકાના કાઉન્સિલર સંજય બારૈયાની પાસા હેઠળ અટકાયત કરવાના હુક્મને હાઇકોર્ટના જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ રદબાતલ ઠરાવ્યો છે. તેની સાથોસાથ અટકાયતીઓને તેમની વિરુદ્ધના કેસોના જામીનના હુક્મોની શરતોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી છે. આ ઉપરાંત કલેકટર સમક્ષ 6 મહિના સુધી દરેક પખવાડિયે હાજરી પુરાવવા હુક્મ કર્યો છે.

વર્ષ 2019માં જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી તથા અન્યોને ખારવા જ્ઞાતિ બહાર મૂકી સામાજિક બહિષ્કાર કરવાની ધમકી આપવા ઉપરાંત બળજબરીથી નાણાં કઢાવવાનો પ્રયાસ કરવા બદલ જાફરાબાદમાં રહેતાં નગરપાલિકા કાઉન્સિલર તુલસીભાઇ ઉર્ફે ચાઇનીઝવાળા અને નગરપાલિકા કાઉન્સિલર સંજય બારૈયા સામે ફરિયાદ નોંધાઇ હતી.

આ ઉપરાંત 2020માં લોકડાઉન દરમિયાન ખારવા સમાજની બોટમાં કામ કરતાં ફરિયાદી તથા અન્યોને પગાર માંગતા ઘાતક હથિયારોનો ઉપયોગ કરી મારપીટ કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

આ ગુનાનને ધ્યાનમાં લઇને અમરેલી જિલ્લા કલેકટરે 5-8-2020ના રોજ ગુજરાત અસામાજિક પ્રવુત્તિઓ અટકાવવાના અધિનિયમ એટલે કે પાસા કાયદા હેઠળ ઉપરોક્ત બંને કાઉન્સિલરોની અટકાયતી અંગેનો હુક્મ કર્યો હતો. આ હુક્મને બંને જણાંએ અલગ અલગ અરજીઓ કરી હાઇકોર્માં પડકાર્યો હતો.

આ રીટ અરજીની સુનાવણી દરમિયાન અરજદાર કાઉન્સિલરો તરફથી એડવોકેટ રૂષભ કાપડિયાએ એવી રજૂઆત કરી હતી કે, બંને પાસા અટકાયતી હુકમો ગેરબંધારણીય છે અને પાસા કાયદાની જોગવાઇઓ વિરુદ્ધ છે. અટકાયતી અધિકારીએ અમુક અગત્યના દસ્તાવેજો પર આધાર રાખ્યો છે. જેવી કે જામીન અરજી વગેરે, પરંતુ તેની નકલ પુરી પાડી નથી. કેટલાંક અગત્યના દસ્તાવેજો કે જેના આધારે પાસા અટકાયતી હુક્મ કર્યો છે. તેની વાંચી શકાય તેવી નકલો આપી નથી. તેમ જ કેટલાંક દસ્તાવેજો અટકાયતી અંગ્રેજી જાણતા ન હોવા છતાં તેનું ગુજરાતી ભાષાંતર પુરુ પાડેલ નથી.

આ બનાવ બાદ ઘણાં વિલંબ પછી અટકાયતી હુક્મ કર્યો છે. જે અટકાયતી હુક્મ કરવા અંગેના નિયમો વિરુદ્ધ છે. જે ગુપ્ત સાહેદો છે તેમના નામ-સરનામાની વિગતો પુરી પાડી નથી. તેમણે આપેલી વિગતો અધૂરી અને અસ્પષ્ટ છે. તદઉપરાંત જયારે અન્ય બે અટકાયતીઓ કે જેમની પણ પાસા અટકાયત ઉપરોક્ત બે કેસોના આધારે થઇ છે. તેમને સરકારે છોડી દીધા છે. ત્યારે આ વ્યક્તિઓને પણ અટકાયતમાં રાખી શકાય નહીં. અરજદાર તરફથી કરાયેલી રજૂઆતને ધ્યાને લઇને હાઇકોર્ટે ઉક્ત હ્ક્મ કર્યો છે.

(5:21 pm IST)