Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ડોલર કોટેચા અને સીઇઓ ભટ્ટને કોંગી ડિરેકટરની ધમકી

બેંકની કુતિયાણા શાખાના ઉદઘાટન નિમંત્રણ પત્રિકામાં નામ ન હોવાથી ભીમા મોઢાએ ફોન કરીને પોત પ્રકાશ્યુ

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૩ : જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા અને સીઇઓ કિશોરભાઇ ભટ્ટને કોંગ્રેસના કાર્યકર અને બેંકના કોંગી ડીરેકટર ભીમા મોઢાએ મારી નાંખવાની ધમકી આપતા સનસની મચી ગઇ છે.

આ અંગે જુનાગઢ બી ડીવીઝનમાં ફરિયાદ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જુનાગઢ જિલ્લા સહકારી બેંકનાં નવનિયુકત ચેરમેન ડોલરભાઇ કોટેચાએ બેંકનું સુકાન સંભાળ્યા પછી બેંકને વધુ ચેતનવંતી બનાવી છે અને બેંકના ૪૧ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ પાંચ ટકા ડિવીડન્ડ આપવાની જાહેરાત કરી છે.

તેમજ ચેરમેન શ્રી કોટેચા અને સાથી ડિરેકટરો દ્વારા બેંકના ગ્રાહકો ખાસ કરીને સભાસદોને શ્રેષ્ઠ બેકીંગ સેવા આપવા પ્રયાસો કરવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લા સહકારી બેંકની કુતિયાણા શાખા માટે શ્રી ડોલર કોટેચાના માર્ગદર્શનમાં અદ્યતન નવનિર્મિત ભારતમાં એટીએમ વગેરે સુવિધા સાથે કાર્યરત કરવામાં આવી છે.

ગત તા.૧૭ ડિસેમ્બરના રોજ જિલ્લા બેંકની નવનિર્મિત કુતિયાણા શાખાનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવેલ.

જેના તા.૧૭ ડિસેમ્બરના ઉદઘાટન  નિમંત્રણ પત્રિકામાં પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કોટડા ગામે રહેતા કોંગ્રેસના કાર્યકર અને બેંકના કોંગી ડિરેકટર ભીમાભાઇ સીદીભાઇ મોઢાએ તેમનું નામ લખાયેલ ન હોય તે બાબતનું મનદુઃખ રાખીને ગત તા.ર૦મી રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ જિલ્લા સહકારી બેંકના સીઇઓ કિશોરભાઇ હરગોવિંદભાઇ ભટ્ટ (ઉ.વ.૬૭)ને તેમના મોબાઇલ ફોન પર શ્રી ભટ્ટ તેમજ બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચાને મારી નાખવાની ધમકી આપી હતી.

આમ ભીમા મોઢાએ બેંકની કુતિયાણા શાખાના ઉદઘાટનમાં ચાર દિવસ બાદ સીઇઓ અને ચેરમેનને ધમકી આપી પોત પ્રકાશતા બેંકના અન્ય ડિરેકટરોમાં રોષ વ્યાપી ગયો છે. આ અંગે જિ. બેંકના સીઇઓ કિશોરભાઇ ભટ્ટે ગત રાત્રે જુનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કોંગ્રેસના ડિરેકટર ભીમાભાઇ મોઢા સામે કલમ પ૦૭ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. એમ.આર.ગોહેલ ચલાવી રહયા છે. દરમિયાન આ અંગે બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચાનો અકિલાએ સંપર્ક  કરતા તેઓએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે જુનાગઢ  જિલ્લા કોંગ્રેસના કાર્યકર અને બેંકના ડિરેકટર ભીમાભાઇ મોઢાએ સીઇઓ કિશોરભાઇ ભટ્ટને ફોન કરીને ધમકી આપેલ અને તારા ચેરમેનને પણ મારી નાંખવો છે તેવી ધમકી આપી હોવા અંગેની કિલપ સાંભળીને હું વાકેફ છુ. પરંતુ આ ડિરેકટરે મને વ્યકિતગત ફોન કરીને ધમકી આપી નથી પણ તેણે સીઇઓને ફોન કરીને તેમને અને મને મારી નાખવાની ધમકી આપી છે તેનાથી હું વાકેફ છુ તેમ શ્રી કોટેચાએ જણાવ્યું હતું.

(12:35 pm IST)