Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કુતિયાણાના ફટાણા ગામમાં બનાવ

વિજ થાંભલે મોટા ભાઇને બલ્બ લંબાવતી વખતે પડી જતાં વશરામ સાદીયાનું મોત

રાજકોટ તા. ૨૩: કુતિયાણાના ફટાણા ગામે રહેતો વશરામભાઇ મુળુભાઇ સાદીયા (ઉ.વ.૩૮) નામનો યુવાન ગામમાં વિજ થાંભલા પર બલ્બ બદલવા ચડેલા પોતાના મોટા ભાઇને બલ્બ લંબાવી રહ્યો હતો ત્યારે થાંભલાના ખાચામાંથી પગ છટકતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ પ્રાથમિક કાગળો કરી કુતિયાણા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર વશરામભાઇ છુટક મજૂરી કામ કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં ત્રીજો હતો. લગ્ન થયા હતાં પણ છુટાછેડા થઇ ગયા હતાં. તેના મોટા ભાઇ દેવશીભાઇ ગામમાં લાઇટ રિપેરીંગનું કામ પંચાયત તરફથી કરતાં હોઇ તે બલ્બ બદલતાં હતાં ત્યારે તેને મદદ કરવામાં સાથે જોડાયેલા વશરામભાઇનું અકસ્માતે થાંભલા પરથી પડી જતાં મોત થયું હતું.

(11:12 am IST)