Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

થર્ટી ફર્સ્ટ પહેલા કચ્છમાંથી અડધા કરોડનો દારૂ ઝડપાયો

આરઆર સેલનો ધડાકો : સામખિયાળી પાસે નાસેલી ટ્રકને પોલીસે રોકી ૧૦ હજાર બોટલ દારૂ ઝડપ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : ગુજરાતમાં દારૂબંધી ના કાયદાઓ અને કડક સજાની જોગવાઈ પછી પણ છેક છેવાડે આવેલા સરહદી જિલ્લા કચ્છ સુધી ચેકપોસ્ટને પાર કરી દારૂ જંગી જથ્થા માં ઘુસાડવા માં આવે છે.

કચ્છ બોર્ડર રેંજની આરઆર સેલની ટીમ દ્વારા સામખિયાળી હાઇવે ઉપર બાતમીને આધારે ટ્રક નંબર જીજે ૧૪ ડબલ્યુ ૩૩૯૭ ને રોકવાની કોશિશ કરી હતી. પણ, ટ્રક નાસી છૂટતાં સામખિયાળી પોલીસને જાણ કરી આગળ નાકાબંધી કરી ટ્રક સાથે દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો. પોલીસે તાલપત્રી બાંધેલી આ ટ્રકમાંથી પ્લાસ્ટિક બોરીઓની નીચે મેકડોવેલસ અને રોયલ ચેલેન્જ કલાસિક પ્રીમિયમની ૭૫૦ એમ.એલ.ની ૧૦,૬૬૮ બોટલ દારૂ કિંમત ૪૪ લાખ ૩૫ હજાર ૫૦૦ જપ્ત કર્યો હતો.

પોલીસે રાજસ્થાનના બાડમેરના ટ્રક ચાલક જશરાજ પાબડા, જાટની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતાં આ દારૂ મધ્યપ્રદેશ થી ગુજરાત થઈને સામખિયાળી પહોચાડવાનો હતો. ટ્રક નંબર અને માલની રસીદ પણ બોગસ બનાવાઈ હતી. પોલીસે માલ મોકલનાર અને મંગાવનારની તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહી આરઆર સેલના પીઆઈ બી.એમ.સુથાર, પીએસઆઈ જે.એમ.જાડેજા અને ટીમ તેમ જ સામખિયાળી પોલીસે પાર પાડી હતી.

(11:10 am IST)