Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

સોરઠમાં ગેરકાયદેસર રેતી-માટી-ખનીજનું વહન અને ખનન કરતા લોકો સામે થશે કાર્યવાહી

જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે બેઠક યોજાઇ

જૂનાગઢ,તા.૨૩: સોરઠમાં ગેરકાયદેસર રીતે રેતી-માટી-ખનીજનું વહન કરતાં અને ખનન કરતાં લોકો સામે સર્વગ્રાહી કાર્યવાહી કરાશે. જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા પોલીસ વડા તેમજ પ્રાંત અધિકારીશ્રીઓ, આર.ટી.ઓ, ખાણ-અનીજ અધીકારી સહિત કાયદો વ્યવસ્થાની સમીક્ષા અર્થે યોજાએલ બેઠકમાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન અને વહન કરતા લોકો સામે ઝુંબેશ રૂપે કાર્યવાહી કરવા સ્પષ્ટ પણે જણાવ્યુ હતુ.

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં લીઝ ધારકો માટે લીઝ ઉપર હદ નિશાન હોય છે, તેની બહાર ખનન કરવા સાથે લીઝ મંજુરીનો હુકમ નકશા લીઝ ઉપર રાખવા, રોયલ્ટી ભરવી ફરજીયાત છે ઓવરલોડ વાહનો કરી રસ્તાઓને નુકશાન પહોંચાડવુ,રેતીનાં ડમ્પર કે ટ્રેકટરમાં પાણી નિતરતુ રાખી રોડ રસ્તાને ખરાબ કરવા સહિત બાબતો સાથે સોરઠમાં દરેક વીસ્તારમાં સરખા માપદંડો રાખી કાર્યવાહી કરવામાં આવશે. 

ખનીન વહન કરતાં વાહનો પ્રદુષણનાં ફેલાવે એટલે તેને કવર કરવા ઢાંકવા જરૂરી  છે. બ્લેક ટ્રેપનું પણ ગેરકાયદે વહન કરવા સહિતની બાબતો માટે જિલ્લા લેવલે ટીમ બનાવી રેન્ડમ ચકાસણી કરવા પણ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ સુચનાઓ આપી હતી. સાથે સાથે જે લોકો નિયમ મુજબ ખનીજ ઉપાડે છે વહન કરે છે તેઓ ખોટી રીતે હેરાન ના થાય તેની પણ કાળજી લેવાશે.

બેઠકમાં સમગ્ર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા સાથે પ્રોહીબીશન, પાસા, હદપારી, હથિયાર પરવાના, ફટાકડા લાયસન્સ, એસ્ટ્રોસીટીનાં કેસો, સહિતના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી.

માંગરોળના આંત્રોલી સેવાસેતુમાં ૧૮૩૩ અરજીઓનો નિકાલ

જૂનાગઢ,તા.૨૩: લોકોને જરૂરી એવી સેવાઓ જેવીકે આધાર કાર્ડ,આવકનો દાખલો, કે પછી સરકાર દ્વારા મળતી વિવિધ સહાય યોજના,નિશુલ્ક પશુ નિદાન જેવી ૫૭ જેટલી સેવાઓના લાભ અને વ્યકિતલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે સેવાસેતુનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે માંગરોળ તાલુકાના આંત્રોલી ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ ૫૭ જેટલી સેવાઓ માટે ૧૮૩૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

 માંગરોળના આંત્રોલી ખાતે યજાયેલ સેવાસેતુમાં  શીલ,સાંગાવાડા, દિવાસા, આંત્રોલી, નાંદરખી, તલોદ્રા, ઝરીયાવાડા ગામના લોકોએ લાભ લીધો હતો. આત્રોલી  ગામના સરપંચ ભનુભાઈ પરમારે જણાવ્યું હતું કે સામાન્ય લોકો માટે સેવા સેતુમાં લગત શાખાના અધિકારીઓ હાજર રહી લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવે છે. 

સેવાસેતુ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાના મામલતદાર શ્રી,અન્ય   અધિકારીઓ ગ્રામજનોની રજુઆતોનો  ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરી હતી.

(1:11 pm IST)