Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ગઢડાઃ યુવતીની હત્યા કરીને લાશ ખાડામાં દાટી દીધી

હાથમાં મહેંદીથી 'મીના-બલદેવ'લખ્યું છેઃ ઓળખ મેળવવા તપાસનો ધમધમાટઃ રાત્રીના સફેદ કાર-બાઇક જોવા મળ્યા'તા

આટકોટઃ તસ્વીરમાં મૃતક યુવતીનો મૃતદેહ, હાથમાં મહેંદીથી લખેલ નામ અને કપડા ઉપરનો સિમ્બોલ નજરે પડે છે. (તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ) (૪.૪)

આટકોટ, તા., ૨૩: ગઢડા (સ્વામીના)માં કાલે રાત્રીનો યુવતીની હત્યા કરીને લાશ ખાડામાં દાટી દીધેલી હાલતમાં મળી આવ્યા બાદ તેની ઓળખ મેળવવા અને હત્યા કરનારાની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ ગઢડામાં ૬૬ કે.વી. સબસ્ટેશનની બાજુમાં અંદાજે ૧૮ થી ૨૦ વર્ષની આસપાસની ઉમરની એક યુવતિની લાશ મળેલ છે. આ યુવતિની હત્યા કરી હત્યારાઓએ લાશ દાટી દીધી હોવાનું પોલીસનું પ્રાથમીક તારણ છે. કુતરાઓ દ્વારા જે સ્થળે લાશ દાટવામાં આવેલ તે સ્થળ આસપાસ કુતરાઓએ લાશ ફંફોડતા અને અસહય દુગંધને કારણે આસપાસના લોકોનું પણ લાશ તરફ ધ્યાન દોરાયેલ.કેટલાક લોકો દ્વારા ગઢડા પોલીસ મથકને જાણ કરવામાં આવતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને અને લાશને બહાર કાઢી હતી હત્યાના કારણોની વિશેષ માહીતી માટે લાશ ભાવનગર ખાતે ફોરેન્સીક તપાસ માટે મોકલી આપવામાં આવી છે.

જે યુવતિની લાશ મળી આવી છે તે યુવતિએ ડ્રેસ પહેરયો છે જે ડ્રેસમાં તેણીએ ગુલાબી કલરની ભરત ભરેલી કુરતી પહેરી છે જયારે નીચેના ભાગે દુધીયા કલરની ચોયણી પહરેલ છે.  યુવતિએ ગુલાબી કલરનું કાળા ટપકાવાળું ગરમ જેકેટ પણ પહેરેલુ હતું. યુવતિના બંને હાથમાં મહેંદી મુકેલી છે. આ બાબતે કોઇને કંઇ માહીતી હોય કે કશું કહેવાનું હોયતો ગઢડા પોલીસ મથકનો સંપર્ક કરવા ગઢડા પોલીસ મથક દ્વારા જણાવવામાં આવ્યું છે.

દરમિયાન મૃતક યુવતીએ હાથમાં મહેંદી મુકી છે અને મહેંદીથી 'મીના-બલદેવ' લખ્યું છે તેમ ડ્રેસમાં સાહિલ મલ્હોત્રા એન્ડ કંપની  એવું લખેલ છે.

ગઢડા-ઢસા રોડ ઉપરના સીરવાણીયા તળાવ પાસેથી મૃતદેહ મળી આવ્યા બાદ પીએસઆઇ રાજુ કરમટીયા અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

જે જગ્યાએ મૃતદેહ મળ્યો તેની પાસે રાત્રીના ૧૧.૩૦ વાગ્યા આસપાસ એક કાર અને બાઇક જોવા મળ્યા હતા. પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.(૪.૪)

(11:34 am IST)