Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ભારતનું સૌથી મોટું ૧૪ માળનું પેસેન્જર શીપ અલંગમાં આવશે

નીલેશ ક્રૂઝિસ કંપની નાદાર સાબિત થતા જહાજ વેચવાનો વારો આવ્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૨ : નજીકના વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લાંબા સમય બાદ લકયુરિયસ પેસેન્જર ક્રૂઝ શિપનું આગમન માસાંતે થશે .

મળતી માહિતી મુજબ ભારતનું સૌથી મોટું ૧૪ માળનું અને લકઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાની હરાજી મુંબઇ હાઇકોર્ટમાં સંપન્ન થયા બાદ સત્તાવાર રીતે લંડનની એનકેડી મેરીટાઇમ લિમિટેડને લેટર ઓફ સેલની ફાળવણી કરવામાં આવી હતી અને કેશબાયર દ્વારા કોર્ટ સમક્ષ ૧૧.૬૫ લાખ ડોલરની રકમની ચુકવણી કરવામાં આવી હતી. કેશ બાયરે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારતના શિપબ્રેકરોને જહાજ વેચવાની વાટાઘાટો કરી હતી. એમાંથી અલંગના પ્લોટ નં.વી -૭ દ્વારા આ શિપ ખરીદ્યું છે. કોરોના ફેલાતાની સાથે જ કર્ણિકા જહાજ ૧૨ મી માર્ચ ૨૦૨૦થી મુંબઇ પોર્ટમાં બાંધી રાખવામાં આવ્યું છે અને હાલ ૬૦ ક્રૂ - મેમ્બરો તેની દેખભાળ કરી રહ્યા છે. આ જહાજ મુંબઇ - દુબઇ વચ્ચે ચલાવવામાં આવી રહ્યું હતુ . કર્ણિકા જહાજમાં મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, અને તે ક્રૂઝ સેવામાં ખાસ્સે લોકપ્રિય છે . અલંગના પ્લોટ નં.વી -૭ આર.કે.ઇન્ડસ્ટ્રીઝ એલએલપી દ્વારા પેસેન્જર શિપ ખરીદવામાં આવ્યું છે. નવેમ્બરના અંત સુધીમાં આ જહાજ અલંગ આવી પહોંચે તેવી શકયતાઓ છે. તરતી જન્નતના હુલામણા નામથી જાણીતા કર્ણિકા લજ્જુરિયસ ક્રૂઝ શિપની માલીકી જાલેશ ક્રૂઝિસ કંપની દ્વારા ધરાવવામાં આવે છે, પરંતુ તેઓ નાદાર સાબિત થતા જહાજને વેચવાનો વારો આવ્યો હતો.

આ શિપમાં૨૦૧૪ મુસાફરોની અને ૬૨૧ ક્રુનો સમાવેશ થાય તેવી ક્ષમતા છે. અને આ જહાજ ૧૯૯૦માં બનાવવામાં આવેલું છે.

(11:07 am IST)