Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

અમરેલીમાં મંગળવારે સફાઇ કામદારો આત્મવિલોપન કરશે

અમરેલી તા ૨૩  :  અમરેલી જીલ્લામાં અતિવૃષ્ટિને કારણે એક તો લોકોને રોજગારી મળતી નથી તેવા ટાણે શેત્રુંજીમાં ગાગડીયો ભળતો હોય તેમ અમરેલી શહેરમાં પાલિકાએ ૧૭૬ જેટલા સફાઇ કામદારોને છુટા કરી દેતા આ કામદારોએ આંદોલન છેડયું છે અને આંદોલન ઉપર બેઠેલા સફાઇ કામદારો હવે આત્મવિલોપનના માર્ગ  ઉપર જવાના હોવાનું તેમના સુત્રધારોએ  જણાવ્યું હતું. હાલમાં શહેરમાં અસંખ્ય જગ્યાએ સફાઇ બંધ થઇ ગઇ છે તેવા સંજોગોમાં પાલિકા દ્વારા ૧૭૬ સફાઇ કર્મચારીને છુટા કરાતા અમરેલીમાં સફાઇ કામદારો આંદોલન ચલાવી રહ્યા છે, પણ તેને કોઇ પ્રતિસાદ ન મળતા જો સોમવાર સુધીમાં સફાઇ કામદારોને કામ ઉપર પાછા નહીં લેવાય તો મંગળવારે સફાઇ કામદારો આત્મવિલોપન કરશે, તેમ અમરેલી જિલ્લા સફાઇ કામદાર એસોસિએશનના પ્રમુખ શ્રી અશોકભાઇ કાંબલી, શ્રી સુનીલભાઇ બારૈયાએ જણાવ્યું હતું. પાલિકામાં સફાઇ કામદારોનું ઓવર સેટ-અપ હોવાનું જણાવીને પાલિકાએ પા્રદેશિક નગરપાલિકા નિયામક તરફથી મળેલા આદેશથી આ કામદારોને છુટા કરવા હાલમાં ૧૭૬ ગરીબ વાલ્મીકી પરિવારોની તાવડી ટેકો લઇ ગઇ છે અને તેમના પરિવારોની ભારે કરૂણ હાલત થઇ છે.

(12:54 pm IST)