Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વાંકાનેર બાઉન્ડ્રી પાસે મોડી રાતે લૂંટારૂ ત્રાટકયાઃ આઇશર ચાલક-કલીનરને બાંધી, ધોકાવી લૂંટ

સાબરકાંઠાનો કલ્યાણસિંહ ઝાલા (ઉ.૩૮) જામનગરથી અમદાવાદ જતા'તા ત્યારે બનાવઃ રાતે એક વાગ્યે લઘુશંકા કરવા ગયા બાદ પરત ન આવતાં કલીનર તુષાર ઠાકોર જોવા જતાં તેને પણ બાંધી દીધોઃ અન્ય બે વાહનવાળાને પણ લૂંટી લીધાનું કલીનરનું કથનઃ વાંકાનેર પોલીસે તપાસ આદરી : કલીનરને તેની બંડી ફાડી લીરા કરી તેનાથી બાંધી દેવાયો'તો

રાજકોટ તા. ૨૩: વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકાથી આગળ ચોટીલા તરફ જવાના રસ્તે મોડી રાતે એકાદ વાગ્યે આઇશર ચાલક યુવાન લઘુશંકા કરવા રોડ નીચે જતાં તેને લૂંટારૂઓએ બાંધી દઇ મારકુટ કરી રોકડ, મોબાઇલ ફોન સહિતની મત્તા લૂંટી લીધી હતી. ડ્રાઇવર મોડે સુધી પરત ન આવતાં કલીનર તેને શોધવા જતાં તેને પણ બાંધી દેવાયો હતો. ડ્રાઇવરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. વાંકાનેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ બનાસકાંઠાના આગીયાડ ગામે રહેતો કલ્યાણસિંહ હેમતસિંહ ઝાલા (ઉ.૩૮) રાતે એકાદ વાગ્યે આઇશર નં. જીજે૧૮એએકસ-૪૧૮૦માં કપાસીયા ખોળ ભરી જામનગરથી અમદાવાદ જતાં હોઇ વાંકાનેર બાઉન્ડ્રી પાસે પહોંચ્યા ત્યારે વાહન ઉભી રાખી રોડ સાઇડમાં લઘુશંકા કરવા ગયો હતો. તે વખતે કલીનર તુષાર મુકેશભાઇ ઠાકોર અંદર સુતો હતો.

લાંબો સમય સુધી કલ્યાણસિંહ પરત ન આવતાં કલીનર તુષાર નીચે ઉતરી જોવા જતાં તેને અજાણ્યા છએક શખ્સોએ ખેંચી લીધો હતો અને તેણે પહેરેલી બંડી કાઢી તેના લીરા કરી તેનાથી બાંધી દીધો હતો. તેની સામે ડ્રાઇવર કલ્યાણસિંહ પણ બંધાયેલી હાલતમાં હતો. તેને અજાણ્યા શખ્સોએ મારકુટ કરી હતી. એ પછી બંનેને છોડી મુકાયા હતાં. ડ્રાઇવરને મુંઢ ઇજાઓ થઇ હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ જાણ કરતાં વાંકાનેરના પીએસઆઇ શ્રી જાડેજા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કલીનર તુષારના કહેવા મુજબ લૂંટારાઓએ બીજી બે ગાડીના ડ્રાઇવર કલીનરને પણ ધોલધપાટ કરી લૂંટી લેવાયા હતાં. જો કે પોલીસ પાસે માત્ર કલ્યાણસિંહને મારકુટ કરી રૂ. ૧૧ હજાર રોકડા, મોબાઇલ ફોન અને ચાંદીની વીંટી લૂંટી લેવાયાની વિગતો આવી હોઇ ગુનો નોંધવા તપાસ હાથ ધરાઇ છે. અગાઉ સાયલા નજીક પણ આ રીતે ટ્રક-આઇશરના ચાલકોને લૂંટી લેવાયા હતાં. એક જ ટોળકી આ રોડ પર આવા ગુના આચરતી હોવાની શકયતા છે.

(11:51 am IST)