Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

પોરબંદરમાં જમીન પચાવી પાડવા મરવા માટે મજબુર કરનારાઓ સામે કાર્યવાહી કરવા એસ.પી.ને રજૂઆત

આપઘાત કરનારની પત્નિ દ્વારા રજૂઆતમાં રાજકીય અગ્રણીઓ સામે શંકા દર્શાવીઃ વારંવાર ધમકી અપાતી હતી

પોરબંદર તા. ર૩ :.. ગળાફાંસો ખાઇને આપઘાત કરનાર સવદાસભાઇ આલાભાઇ શીડાને તેની જમીન પચાવી પાડવા વારંવાર ધમકી આપીને તેને મરવા માટે મજબૂર કર્યાનું સવદાસભાઇના પત્નિ ધાનીબેન સવદાસભાઇ સીડાએ જિલ્લા પોલીસ અધિકારીને રજૂઆત કરીને ફોજદારી ફરીયાદ દાખલ કરવા માગણી કરી છે.

રજૂઆતમાં ધાનીબેન સવદાસભાઇ સીડાએ જણાવેલ કે, મારા પતિ સવદાસ આલા શીડાની માલીકીની ખેતીની જમીન કે, જે પોરબંદર જિલ્લા તાલુકાના છાંયા ગામે ખેતીની જમીન નવી અને અવિભાજય શરતી આવેલ છે. અને આ જમીન પચાવી પાડવા માટે મારા પતિ પાસે આરોપી અવારનવાર આવતો અને ખોટી સહીઓ કરાવી જતો. અને અમારા પતિ પાસેથી આ જમીન માત્ર નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટેનો પાવર ઓફ એર્ર્ટોર્નીનુ કહી અને લઇ ગયેલ. તે વખતે પાવરમાં શું લખેલ હતું. તેની કોઇ માહીતી અમોને હતી નહીં અને ત્યારબાદ આરોપીએ મારા પતિની જમીનો નવી શરતમાંથી મુકત કરાવી અને ત્યારબાદ તેને બીનખેતી કરાવી અને અલગ અલગ કટકે કટકે વેચાણ કરી નાખેલ છે. પરંતુ આ હકિકત અમારા પતિને ધ્યાનમાં આવતા અમારા પતિએ આ બાબતે અવાર નવાર અરજીઓ પણ કરેલી છે. અને સને ર૦૦૯ ની સાલમાં પોલીસમાં પણ અરજી કરેલ. પરંતુ તે વખતે સમાધાન કરી લેતા આ વાત થાડે પડી ગયાનું અમોને અનુમાન હતું.

ત્યારબાદ પણ બીજા જે પ્લોટો હતાં તેનું વેચાણ કરી નાખતા અમારા પતિ દ્વારા વાંધા અરજીઓ પણ એન્ટ્રી સબબ આપવામાં આાવતી હતી. અને આ રીતે આરોપી અમારા પતિ તથા ઘરના સર્વેને ધમકાવતો રહેતો હતો.

રજૂઆતમાં જણાવેલ કે થોડા સમય પહેલા મારા પતિને ફોન આવેલ અને કહેલ કે, હોટેલ પર આવો તે વખતે મારો મોટો પુત્ર  ઠેબા સવદાસભાઇ શીડા તથા મારો પૌત્ર દેવશી તેની હોટેલ પર ગયેલ તે વખતે ચેમ્બરમાં બેસાડીને અને ધમકાવેલ હતાં. અને બાદમાં અમો ત્યાંથી ચાલ્યા ગયા બાદ જીવા નાગા ઉર્ફે જીવા બડા નામના શખ્સનો ફોન આવેલ અને કહેલ કે, તમો કેમ કાંઇ બોલ્યા નહી તે પૈસા આપવા તૈયાર હતો. તેવી વાત અમોને કરેલ અને તેથી આ રીતે આ હકિકત સાબીત થાય છે કે, આ વ્યકિતએ જમીનની અંદર કૌભાંડ કરેલ છે.

પતિ સવદાસ આલા ઘરેથી નીકળેલા તે વખતે વાછરાડાડાના મંદિર પાસે વિક્રમ  તથા તેમના મળતીયાઓ ગાડી લઇ ને આવેલ અને મારા પતિને કહેલ કે, તું આવી ફરીયાદો બંધ કરી દે નહી તો તારા પરીવારને તથા તારા બાળકોને રફેદફે કરી નાખીશ. તેવી ધમકીઓ આપેલ હતી.

રજૂઅતમાં ધાનીબેને જણાવેલ કે સીટી સરવે કચેરીમાં એન્ટ્રીઓ સામે વાંધા અરજી આપેલ. અને બીજા દિવસે વહેલી સવારે મારા પતિ સવદાસ આલા ઘરેથી નીકળેલ અને મંદિરે ગયેલ તે વખતે મારા પતિને કોઇ ગાડી મારફત આવેલ અને  ધમકી આપ્યા બાદ મારા પતિએ મંદિરની અંદર જ ગાળાટૂંપો ખાઇ અને જીવન ટુકાવ્યુ હતું અને આ આત્મહત્યા ધમકીઓને લઇને જ કરવામાં આવેલ છે. આમ આગલા દિવસે મારા પતિએ રાતના મને જણાવેલ હતું કે, વિક્રમ અવારનવાર મારી પાસે આવે છે અને મને ધમકાવે છે. મને બીક છે કે, મારા બાળકોને હેરાન કરે તેવી અમોને દહેશત છે.

મારા પતિને અમો હોસ્પીટલે પી. એમ. માટે લઇ ગયેલ તે વખતે ત્યાંના ફરજ પરના પોલીસ અધિકારીને આરોપી તથા જીવાનું નામ જણાવેલ તે વખતે આ અધિકારીએ અમોને કહેલ કે, સમાધાન થાય તો કરી લેજો નહી તો ફરીથી નિવેદન લઇ અને આ ફરીયાદ દાખલ કરશું અને વિક્રમ  ભાજપમાં હોવાના નાતે તેઓના કહેવાથી અ પોલીસ અધિકારીએ ફરીયાદમાં ધ્યાન દીધેલ નહીં અને તે વખતે અમો શોકમાં હોવાથી અમોને બહુ ઉંડાણ પુર્વક ગંભીરતા લીધી હતી નહીં. અને તે બાદ અમારા બીજા સબંધીના ફોનમાંથી મારા પુત્ર વિરમના મોબાઇલ પર વિક્રમનો ફોન આવેલ અને જણાવેલ કે, તમો એવુ લખાવી દો કે, મારા પતિની માનસીક સ્થિતી સારી ન હોવાથી આ પગલુ ભરેલ, તેવુ  મારા પુત્રને ફોનથી જણાવેલ હતું અને ફરીયાદમાં કોઇનું નામ લખાવતા નહી તેવુ પણ ધમકી ભર્યુ વર્તન કરી જણાવેલ હતું.

રજૂઆતમાં જણાવેલ કે પતિની આ આાત્મ હત્યા નહી પરંતુ હત્યા કરેલ હોય. અને હાલ  વિક્રમ  કહે છે કે,  રાજયમાં ભાજપ સરકાર છે. અને ધારાસભ્ય પણ મારા ભાગીદાર છે. જેથી વિરૂધ્ધની ફરીયાદ કોઇ સાંભળશે નહીં તેવું જણાવેલ હતું.

આ ફરીયાદ કરી જણાવવાનું કે, જમીન સબંધે અમો રેવન્યુ રાહે અલગથી કાર્યવાહી કરવાના છીએ. તો આ બાબતે અમારા પતિની આત્મહત્યાના જવાબદાર આ કામના આરોપી  તથા તેના સાથી મળતીયાઓ સામે ધોરણસરનો ગુન્હો દાખલ કરી અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી અને ફોજદારી ફરીયાદ દાખલ કરવા રજૂઆતમાં જણાવેલ છે.

(11:47 am IST)