Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જુનાગઢમાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં સંસ્કૃત શિક્ષક કાર્ય શાળામાં ઉત્સાહભેર શિક્ષકો જોડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૩ : ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જુનાગઢ સંયુકત ઉપક્રમે ગિરનાર પબ્લીક સ્કુલ જુનાગઢ ખાતે જુનાગઢ જિલ્લાની માધ્યમીક અને ઉ.મા. શાળાઓના સંસ્કૃત વિષયના શિક્ષકોની સંસ્કૃત શિક્ષક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં શિક્ષકો ઉત્સાહભેર સહભાગી થયા હતા.

ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે મંગલ દીપ પ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જિ.શિ.અ. કચેરી - જુનાગઢના ઇ.આઇ. શ્રી રણવીરસિંહ પરમારે  મહાનુભાવોનું ભાવભીનું સ્વાગત કર્યુ હતુ. આ તકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિની વાહક ભાષા છે, જેનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની આપણા સૌની જવાબદારી છે.

ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી જયશંકર રાવલે શિક્ષકોને  સંબોધન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાને દૈવી ભાષ કહેવાય છે, અને અનેક ભાષાઓની જનની છે. કોઇપણ ભાષામાં શીખવાનું પ્રથમ સોપાન શ્રવણ છે. સંસ્કૃત ભાષાને જીવંત રાખવા અને તેમનો વ્યાપ વધારવા રાજય સંસ્કૃત બોર્ડ દ્વારા સઘન પ્રયાસો થઇ રહયા છે. ભારતીય સંસ્કૃતિને અકબંધ રાખવા  સંસ્કૃત ભાષાને લોકપ્રિય બનાવવી જરૂરી છે.

રાજય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરના વર્ગ-ર ના અધિકારી પુલકિતભાઇ જોષીએ સંસ્કૃત બોર્ડના ઉદેશો અને તેના કાર્યક્ષેત્ર વિષે વિસ્તૃત પરિચય આપ્યો હતો. જુનાગઢ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય અને સંસ્કૃત બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી ડો. કનુભાઇ કરકરે પોતાના વિદ્યાર્થી કાળના સંસ્મરણો વાગોળીને સંસ્કૃત ભાષાને સમૃધ્ધ અને મુલ્યવાન ગણાવી હતી.

આ તકે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી - જુનાગઢનાકુલપતિ શ્રી ચેતનભાઇ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહયા હતા અને સંસ્કૃત ભાષાનાં પ્રચાર અને પ્રસાર માટે ભવિષ્યમાં આ પ્રકારની કાર્ય શિબિરો યોજાતી રહે તે બાબત પર ભાર મુકયો હતો અને આ કાર્યમાં માધ્યમીક શાળાના શિક્ષકોની ભુમિકા મહત્વની ગણાવી હતી.

આ કાર્યશાળામાં ગિરનાર પબ્લીક સ્કુલના ચેરમેન અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જે.કે.ઠેસીયા સાહેબ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇ.આઇ.શ્રી એલ.વી. કરમટા તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સીનીયર લેકચરર શ્રી ભરતભાઇ મેસિયા ઉપસ્થિત રહયા હતા. સંચાલન કિશોરભાઇ શેલડીયા દ્વારા કરવામાં આવેલ હતુ. સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સુચારૂ આયોજન કરવામાં આવેલ હતુ. (તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ) 

(1:34 pm IST)