Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પુત્રવધૂની હત્‍યાની કોશિષના ગુનામાં સાસુને ૧૦ વર્ષની સજા

વિંછીયાના કંધેવાડિયા ગામે ‘રોટલો' બનાવવામાં ઉતાવળ નહિ થાય તેવું કહેતા સાસુએ પુત્રવધૂ ઉપર કેરોસીન છાંટી સળગાવી હત્‍યાનો પ્રયાસ કર્યો હતો : પતિએ બચાવવાનો પ્રયાસ કરતા તેનો નિર્દોષ છૂટકારો : રાજકોટની સેસન્‍સ અદાલતનો ચુકાદો

રાજકોટ તા. ૨૩ : રાજકોટની અધિક સેશન્‍સ અદાલતે જમનાબેન જયંતિભાઈ ગોરાવાને પોતાની પુત્રવધુ ઉપર કેરોસીન છાંટી મૃત્‍યુ નિપજાવવા દિવાસળી ચાંપી દેતા પુત્રવધુ લતાબેન ગોવિંદભાઈ ગોરાવા ૯૦% શરીરે દાઝી જવાથી સાસુને મૃત્‍યુ નિપજાવવાના પ્રયાસના ગુન્‍હા સબબ ૧૦ વર્ષની સખ્‍ત કેદની સજા ફરમાવેલ છે. પતિ ગોવિંદભાઈ ગોરાવાએ લતાબેન ઉપર પાણી છાંટી તેણીને બચાવવાનો પ્રયાસ કરતા પતિને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.  
 આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, વિંછીંયા તાલુકાના કંધેવાડીયા ગામે ભોગ બનનાર લતાબેન ગોવિંદભાઈ ગોરાવા, ઉ.વ.રર જાતે દેવીપુજક પોતાના પતિ ગોવિંદભાઈ અને સાસુ જમનાબેન સાથે રહેતા હતા. તા.૧પ/૦૯/ર૦૧૮ ના રોજ સવારના સમયે પતિ ગોવિંદભાઈએ લતાબેનને રોટલા ઉતાવળે બનાવવાનુ કહેતા પત્‍નિ લતાબેને થોડી વાર લાગશે તેમ જણાવેલ. આ સાંભળી પતિ ગોવિંદભાઈ ગુસ્‍સાથી બહાર જતો રહેલ પરંતુ રસોડાની બહાર બેઠેલ સાસુ જમનાબેન ભોગ બનનાર લતાબેનને રસોડામાં લઈ ગયેલ અને બોલાચાલી કરી બાજુમાં પડેલ કેરોસીનનુ ડબલુ લતાબેન ઉપર છાંટી દીધેલ અને ત્‍યારબાદ બાકસની દિવાસળી સળગાવી તેણી ઉપર ફેંકેલ. આમ બનતા લતાબેન આખા શરીરે દાઝવા માંડેલ અને રાડારાડ કરતા પતિ ગોવિંદભાઈ તથા આસપાસના પાડોશીઓ તુરંતજ આવી લતાબેન ઉપર પાણી છાંટી તેણીને બચાવી લીધેલ. સળગવાથી લતાબેનનુ શરીર ૯૦% બળી ગયેલ પરંતુ તેણીને તાત્‍કાલીક વિંછીયા સરકારી હોસ્‍પિટલમાં લઈ જવામાં આવેલ અને ત્‍યાંથી રાજકોટ સરકારી હોસ્‍પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ. આ સમયે લતાબેને એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ સમક્ષ બનાવ સમયે મરણોન્‍મુખ નિવેદન આપી સમગ્ર હકિકત જણાવેલ.
 બનાવ અંગે પોલીસ ફરીયાદ બાદ પતિ-સાસુ સામે પોલીસે ચાર્જશીટ રજુ કરેલ. આ કેસ ચાલવા ઉપર આવતા ભોગ બનનાર લતાબેન સારવાર આપનાર ડોકટર તથા તપાસ કરનાર અમલદારની જુબાનીઓ નોંધવામાં આવેલ. શ્રી સરકાર તરફે રજુઆત કરતા જિલ્લા સરકારી વકીલશ્રી એસ.કે.વોરાએ જણાવેલ હતુ કે, ફરીયાદી ભોગ બનનાર લતાબેનએ આપેલ ફરીયાદ તથા તેણીએ એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ સમક્ષ આપેલ મરણોન્‍મુખ નિવેદન બંનેમાં બનાવ સબંધે વિવરણ આપેલ છે જેમાં કોઈ વિસંગતતા નથી.
બચાવપક્ષે આકસ્‍મીક રીતે આ પ્રકારનો બનાવ બની શકે તેવો બચાવ લીધેલ છે પરંતુ ભોગ બનનાર લતાબેન જયારે પોતાના પતિ અને સાસુ વિરૂઘ્‍ધ બનાવ સબંધે સ્‍પષ્‍ટતાથી વિવરણ આપતા હોય ત્‍યારે આ પ્રકારનો બનાવ આકસ્‍મીક રીતે બનેલ છે તેમ માનવાને કોઈ કારણ નથી.
આ ઉપરાંત અલગ અલગ સમયે જુદા જુદા સાહેદોએ પોલીસ અને હોસ્‍પિટલ સ્‍ટાફ સમક્ષ બનાવ સબંધે જણાવેલ વિગતોમાં જે વિસંગતતા છે તે પ્રકારની વિસંગતતા હોવી સ્‍વાભાવિક છે કારણ કે નિવેદન આપનાર કોઈપણ વ્‍યકિત બનાવ સમયે હાજર ન હતા. આ કારણે જુદી જુદી વ્‍યકિતઓના નિવેદનોમાં જે વર્ણન આપવામાં આવેલ છે તે ધારણાઓ અને અનુમાનોના આધારે અપાયેલ છે. ભોગ બનનાર ખુદ સારવારના અંતે જયારે મૃત્‍યુથી બચી ગયેલ હોય અને બનાવ સબંધે પ્રત્‍યક્ષ સાક્ષી તરીકે જુબાની આપતા હોય ત્‍યારે આવી જુબાનીને અતિશય ગંભીરતાથી લેવી જોઈએ. આ તમામ રજુઆતોને ઘ્‍યાનમાં લઈ સેશન્‍સ અદાલતે ફરીયાદી લતાબેનના સાસુ જમનાબેન જયંતીભાઈ ગોરાવાને મૃત્‍યુ નિપજાવવાના પ્રયાસ બદલ ઈ.પી.કો. કલમ-૩૦૭ હેઠળ તકસીરવાન ૧૦ વર્ષની સખ્‍ત કેદની સજા ફરમાવેલ છે.
સરકારી વકીલ શ્રી વોરાએ ફરીયાદી લતાબેનના પતિ ગોવિંદભાઈ ગોરાવા અંગે રજુઆત કરેલ હતી કે બનાવનું કારણ લતાબેનને પતિ સાથે વિવાદ થયાનું છે અને તે સીવાય ભોગબનનાર લતાબેનને સળગાવવામાં પતિ ગોવિંદભાઈનો કોઈ પ્રત્‍યક્ષ રોલ નથી. આ ઉપરાંત તેઓએ પોતાની સળગતી પત્‍નીને બચાવવાનો પ્રયાસ પણ કરેલ હતો તેથી પતિને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવે તો પ્રોસીકયુટર તરીકે કોઈ વાંધો નથી. આ રજુઆતને ઘ્‍યાનમાં લઈ કોર્ટે પતિ ગોવિંદભાઈ ગોરાવાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.  
  આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

 

(11:56 am IST)