Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોમગાર્ડઝ દળમાં ભરતી

દેવભૂમિ દ્વારકા,તા. ૨૩: દેવભૂમિ દ્વારકા જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોમગાર્ડઝ દળમાં નિષ્કામ સેવા આપવા માંગતા હોમગાર્ડઝ સભ્યોની ભરતીનું આયોજન કરવામાં આવેલ છે.

જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોમગાર્ડઝ દળમાં ભરતી થવા ઈચ્છુક પુરુષ અને સ્ત્રી ઉમેદવાર માટે શૈક્ષણિક લાયકાત ધોરણ – ૧૦ પાસ અને ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર(તા.૦૧-૧૧-૨૦૨૧ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ) તેમજ પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછો ૫૦ કિલો વજન અને ૧૬૨ સે.મી.ઊંચાઈ તથા ૭૯ સે.મી.છાતી (૫ સે.મી. છાતી ફુલાવી શકવા જોઈએ) અને સ્ત્રી ઉમેદવાર માટે ઓછામા ઓછો ૪૦ કિલો વજન અને ૧૫૦ સે.મી.ઊંચાઈ મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

ઉલ્લેખનીય છે , ઉપર મુજબની લાયકાત પરિપૂર્ણ કરનાર ઉમેદવારો પૈકી પુરુષ ઉમેદવારોએ વધુમાં વધુ ૯ મિનિટમાં ૧૬૦૦ મીટર દોડ અને સ્ત્રી ઉમેદવારોએ વધુમાં વધુ ૫ મિનિટ અને ૨૦ સેકન્ડમાં ૮૦૦ મીટર દોડની શારીરિક કસોટી પાસ કરવાની રહેશે.

ભરતી અન્વયે નિઃશુલ્ક ફોર્મ પોર ગેઈટ- ખંભાળીયા, હોમગાર્ડઝ ચોક - દ્વારકા, દરબાર ગઢ – ભાણવડ, ગઢ મેઈન બજારની બાજુમાં – જામરાવલ, આશાપુર મંદીરની સામે – મીઠાપુર, ખોડીયાર મંદીર રોડ – ઓખા અને કે.પી.ટી. કોલોની – વાડીનાર ખાતે ઓફિસર કમાન્ડીંગશ્રી હોમગાર્ડઝ યુનિટ કચેરી માંથી યુનિટ વાઈઝ મેળવી લઈ વિગતો ભરી તા.૦૩-૧૧-૨૦૨૧ સુધીમાં સવારે ૧૦-૦૦ થી ૧૮-૦૦ કલાક સુધીમાં જમા કરાવવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે www.homeguards.gujarat.gov.in પરથી મળી રહેશે. 

(11:47 am IST)