Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પાટણવાવમાં ઓસમ તળેટીમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતની ત્રીજી સર્વોદય સંકલ્પ શિબિરનો પ્રારંભ

ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ દિપ પ્રાગટય કરી સૌરાષ્ટ્રની પ્રથમ સર્વોદય સંકલ્પ શિબિર ખુલ્લી મુકી

ઉપલેટા તા. ૨૩ : રાજકોટ જીલ્લાના ઉપલેટાથી ૧૫ કી.મી. દુર આવેલા પાટણવાવ ગામે આવેલ ઓસમ પર્યંતની ગીરી તળેટીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતની ત્રીજી અને સૈારાષ્ટ્રની પ્રથમ સર્વોદય સંકલ્પ શિબિરનું આયોજન તા. ૨૨, ૨૩ અને ૨૪ ઓકટોબરના ત્રણ દિવસ માટે કરવામાં આવેલ છે.

આજે પ્રથમ દિવસે આ શિબિરને ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ દિપ પ્રાગટય કરી ખુલ્લી મુકતા કહયુ કે પ્રદેશ કોંગ્રેસના ટ્રેનરો દ્વારા ત્રણ દિવસ ચાલનારી આ શિબિરમાં કોંગ્રેસનો ઈતીહાસ કોંગ્રેસની કાર્યપ્રલાણી અને કોંગ્રેસના સીધ્ધાંતો ની વિડીયો કલીપ, ઓડીયો કલીપ અને ટ્રેનરો દ્વારા પ્રવચન આપી શિબિરાર્થીઓને કોંગ્રેસ શું છે. કોંગ્રેસનો ઈતીહાસ વગેરે બાબતો અંગે જાણકારી આપી આગામી દિવસોમાં વિરોધી પરીબળો સામે કઈ રીતે લડત લડવી તેમનું માર્ગદર્શન આપશે.

આ ત્રણ દિવસની શિબિરમાં દરરોજ સવારે ૬-૦૦વાગ્યાથી રાત્રીના ૧૨-૦૦ વાગ્યા સુધી જુદાજુદા સેશનોમાં ઢગલાબંધ માહિતીઓ શિબિરાર્થીઓને આપવામાં આવશે. આજની આ શિબિરમાં ઉપલેટા, ધોરાજી, ગોંડલ, જેતપુર, અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. ઓલ ઈન્ડીયા કોંગ્રેસ દ્વારા ટ્રેન થયેલા રૂગ્ગીકભાઈ જોષી વડોદરા, કાંતીભાઈ બાવરીયા મોરબી, ધવલ દેશાઈ નવસારી, ભાવિન વ્યાસ અમદાવાદ, ક્રિષ્નાબેન પટેલ રાજકોટ, શિબિરાર્થીઓને ટ્રેનીંગ આપશે.

આ અંગે શિબિરના ટ્રેનર કાંતીભાઈ બાવરીયા એ જણાવેલ હતુ કે ગુજરાતની આ ત્રીજી અને સૌરાષ્ટ્રની પ્રથમ શિબીર છે. આ અગાઉ ડાંગ અને અલિયાબાળામાં બે શિબિર યોજવામાં આવેલ હતી. ભવિષ્યમાં આ શિબિરમાં ભાગ લેનાર લોકોને જ કોંગ્રેસના હોદા ફાળવવા માટેની પણ પ્લાર્નીંગ કરવામાં આવશે. આજની આ શિબિરમાં ધારાસભ્ય લલીતભાઇ વસોયા, શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ કનેરીયા, ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ અરવીંદભાઈ વોરા, લખમણભાઈ ભોપાળા, સહિત અનેક કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા.

(11:46 am IST)