Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

બેરોજગારને નોકરી મળી હોય તેમ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા

સ્મૃતિ ઇરાનીએ મોરબીમાં ચૂંટણી સભા ગજવી : સભા વેળા સ્મૃતિએ પોતાના વક્તવ્યમાં એક પણ વખત ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનું નામ પણ ન લીધું

મોરબી,તા.૨૩ : હાલ ગુજરાતની આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે મોરબી બેઠક પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમણે કૉંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પર નિશાન સાધ્યું હતું. સ્મૃતિએ ચૂંટણી સભાની સંબોધતા હાર્દિક પટેલને કૉંગ્રેસના નોકરિયાત ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોરબી બેઠક પર ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે. બ્રિજેશ મેરજા કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે સભા દરમિયાન બીજેપીના અનેક કાર્યકરોના ખિસ્સા પણ કપાયા હતા. મોરબી-માળીયા પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે મોટા માથાંઓને મેદાને ઉતાર્યાં છે. આજે મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે કેન્દ્રીય બાળ કલ્યાણ અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભા યોજી હતી. આ સભા દરમિયાન ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના વક્તવ્યમાં એક પણ વખત ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનું નામ પણ લીધું ન હતું.

                  બીજી બાજુ સભા સ્થળ પર ઉમેદવાર બ્રિજેશ મેરજા ગેરહાજર રહ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણ દરમિયાન હાર્દિક પટેલ પર નિશાન તાક્યું હતું. હાર્દિક પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ પર કરેલા આક્ષેપોનો જવાબ આપતા સ્મૃતિએ જણાવ્યું હતું કે, હાર્દિક છ મહિના પૂર્વે જ કૉંગ્રેસમાં જોડાયો છે અને બેરોજગારને નોકરી આપી હોય તેમ ખેડૂતોની વાતો કરતાં કરતાં કૉંગ્રેસમાં જોડાઇ ગયો હતો. આજે અમારા ભાજપના ૪૦ વર્ષના પાયાના કાર્યકર્તા પર આક્ષેપ તેના મોઢે શોભતા નથી. આ ઉપરાંત તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર પેકેજ, મહિલા સેવા આયોગ, કલમ ૩૭૦ જેવી ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. સ્મૃતિએ કહ્યું હતું કે, કૉંગ્રેસે દેશનું અહિત વિચારી આ તમામનો વિરોધ કર્યો છે, આથી તમારે ભાજપને મત આપીને વિકાસને આગળ વધારવાનો છે. આ સભા દરમિયાન ભાજપ કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા હોવાની માહિતી પણ મળી છે. બીજી બાજુ આ સભામાં કોવિડ ૧૯ના નિયમોનું પણ ધ્યાન રાખવામા આવ્યું હતું. તો આ સભા દરમિયાન મોરબી જિલ્લા પ્રભારી આઈકે જાડેજાએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ ખોટા આક્ષેપો કરી અને ભાજપને બદનામ કરી રહી છે. કૉંગ્રેસ ભાંગી ગઈ છે. મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણીમાં કૉંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડશે એમાં કોઈ શંકા નથી.

(7:37 pm IST)