Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કાલે ગિરનાર રોપ-વેનું નરેન્દ્રભાઇના હસ્તે ઇ-લોકાર્પણ

વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો રોપ-વેની સફર માણશેઃ સંભવતઃ રવિવારથી લોકોને રોપ-વે સુવિધાનો લાભ મળશેઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

જૂનાગઢ : ગિરનાર રોપ-વે લોકાર્પણ કાર્યક્રમ સ્થળે તડામાર તૈયારી તથા પોલીસ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયુ તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા -જૂનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૩: ગિરનાર રોપ-વેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઇ-લોકાર્પણ કરશે.

આ તકે જૂનાગઢમાં પોલીસ તાલીમ મહા વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમની તૈયારીઓને તંત્ર દ્વારા અંતિ ઓપ આવી રહ્યો છે. ગઇ કાલે કલેકટર ડો.સૌરભ પારધી ડી.ડી.ઓ પ્રવિણ ચૌધરી, મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ વ્યવસ્થાઓ અને તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે કેટલાક સુચન પણ કર્યા હતા.

રૂ. ૧૩૦ કરોડના ખર્ચે તૈયાર થયેલર ગિરનાર રોપ-વે ૨.૧૩ કિ.મીની લંબાઇ ધરાવે છે.

વર્ષ ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મીદીએ રોપ-વેનું ખાતમુહૂર્ત કરેલ અને હવે તેઓ આવતીકાલ તા. ૨૪ના રોજ વડાપ્રધાન તરીકે રોપ-વેનું ઇ-લોન્ચીંગ કરવાના છે. ત્યારે જૂનાગઢવાસીઓમાં ખુશી પ્રવર્તે છે.

રોપ-વેનું ઇ-લોકાર્પણ થયા બાદ સૌપ્રથમ મુખ્યમંત્રીશ્રી રૂપાણી તેમજ તેમની સાથે ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા તથા સાસંદ રાજેશ ચુડાસમા જ પહેલા દિવસે રોપ-વેની સફર માણશે.

દરમ્યાન હજુ રોપ-વેનું ટિકિટનો દર જાહેર થયો નથી છતાં રૂ. ૭૦૦ની આસપાસ ટિકિટનો દર રહેવાની શકયતા છે.

સંભવતઃ લોકો રવિવારથી રોપ-વેમાં બેસી શકશે. આ અંગે એક-બે દિવસમાં જાહેરાત થશે.

હાલ કોરોનાને લઇ એક ટ્રોલીમાં આઠ યાત્રીકોને બદલે ચાર જ વ્યકિતને બેસવાની મંજુરી આપવામાં આવે તેવી શકયતા છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ તથા ભવનાથ રોપ વે ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમમાં પધારનાર હોઈ, જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા અત્યારથી જ તૈયારીઓ કરી, બંદોબસ્ત અંગે આગોતરું આયોજન કરી, બંદોબસ્ત ગોઠવાનીની તૈયારી આરંભી દેવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ખાતેના તમામ કાર્યક્રમ સ્થળની વિઝીટ કરી, બંદોબસ્ત દરમિયાન શુ શુ કાળજી રાખવાની થાય છે, એ બાબતે સુચનાઓ કરવામાં આવી છે. આજથી મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમના દિવસ સુધી સતત વાહન ચેકીંગ ઉપરાંત હોટલ ધાબા, ગેસ્ટ હાઉસના ચેકીંગ હાથ ધરી, શંકાસ્પદ માણસોનું તેમજ વાહનનું ખાસ ચેકીંગ હાથ ધરી, આઇડેન્ટિ પૃફની ચકાસણી કરવાનું શરૂ કરવામાં આવેલ છે. હોટલ તથા ગેસ્ટ હાઉસમાં ઉતરતા લોકોના આઇડેન્ટિ પ્રુફ ચકાસણી કરી, કોઈ શંકાસ્પદ ઇસમ કે ગેર કાયદેસર મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને ભવનાથ વિસ્તારની ધર્મશાળાઓ, હોટલો, ઉતારાઓ તથા પ્રવાસીઓનું પણ ખાસ ચેકીંગ તેમજ ગિરનાર પર્વત પણ ચેકીંગ તેમજ મંદિર અને જગ્યાઓની માહિતી મેળવી, વેરીફિકેશન શરૂ કરવામાં આવેલ છે. ઉપરાંત, રુટ ઉપર પણ ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે..

 જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, પ્રોબે. આઇપીએસ સુશ્રી વિશાખા ડબરાલ, જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, સી ડિવિઝન પીએસઆઇ કે.એ.ડાંગર, ભવનાથ પોલોસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, સહિતના અધિકારીઓ તથા સ્ટાફ સાથે કાર્યક્રમ સ્થળની વિઝીટ કરી, બંદોબસ્ત ગોઠવણી બાબતે સુચનાઓ કરવામાં આવેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના જૂનાગઢના પ્રવાસને લઈને સલામતી બંદોબસ્ત અંગે તૈયારી હાથ ધરવામાં આવેલ છે.

(11:46 am IST)