Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ટોલનાકા પર પોલીસ સ્ટાફ, એમએલએ કે મંત્રીના કાર્ડનો દુરૂપયોગ કરનારા સામે ગુન્હો દાખલ કરાશે

ભરૂડી-પીઠડીયા ટોલનાકે ૮૦ કાર્ડનો દુરૂપયોગ થયાની અરજી પરથી તપાસનો ધમધમાટઃ કાર્ડનો ગેરઉપયોગ ન કરવા રૂરલ એસ.પી. બલરામ મીણાની અપીલ

રાજકોટ, તા. ૨૩ :. રાજકોટ-જેતપુર હાઈવે પર આવેલ ભરૂડી અને પીઠડીયા ટોલનાકે પોલીસ, એમ.એલ.એ. અને મંત્રીના કાર્ડનો દુરૂપયોગ કરનારાઓ સામે તપાસ કરી ગુન્હો દાખલ કરવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં રૂરલ પોલીસે બલરામ મીણાએ જણાવ્યુ હતુ.

રાજકોટ જીલ્લાના ચાર ટોલનાકા પૈકી ગોંડલના ભરૂડી અને વિરપુરના પીઠડીયા ટોલનાકાએ પોલીસ સ્ટાફ-પોલીસ અધિકારીઓ-એમએલએ અને મંત્રીઓ તેમજ અન્ય સરકારી ઉચ્ચ અધિકારીઓના આઈકાર્ડનો ગેરઉપયોગ કરી ટોલનો ચાર્જ ન ભરતા હોવાનું ખુલ્યુ હતું. ટોલનાકાના સ્ટાફે આવા ૮૦થી વધુ આઈકાર્ડની ઝેરોક્ષ સાથે રેન્જ ડીઆઈજીને લેખીત ફરીયાદ કરી ટોલનાકાને લાખોનું નુકશાન થતુ હોવાની લેખીત ફરીયાદ કરી હતી.

દરમિયાન રૂરલ એસ.પી. બલરામ મીણાએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, જીલ્લાના ટોલનાકા પર પોલીસ સ્ટાફ, પોલીસ અધિકારીઓ, એમ.એલ.એ., મંત્રીઓ તથા અન્ય સરકારી ઉચ્ચ અધિકારીઓના કાર્ડનો દુરૂપયોગ કરનાર સામે ગુન્હો દાખલ કરવામાં આવશે. ભરૂડી ટોલનાકાના સ્ટાફે ૮૦ ઓળખકાર્ડ સાથેની અરજી આપેલ હોય તે અંગે તપાસ કરી ઓળખકાર્ડનો દુરૂપયોગ કરનારા સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેમજ પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ કે એમ.એલ.એ. તથા મંત્રીઓના કાર્ડનો ગેરઉપયોગ ન કરવા અપીલ કરી છે. ભવિષ્યમાં આવુ ધ્યાને આવશે તો ઓળખકાર્ડનો ગેરઉપયોગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

(3:31 pm IST)