Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વાંકાનેરમાં બિસ્માર રસ્તા-સ્ટ્રીટલાઇટો બંધઃ રાહદારીઓ-વાહન ચાલકો હેરાન

વાંકાનેર તા.ર૩ : ગ્રીનચોકથી દાણાપીઠ ચોક તથા ગ્રીનચોકથી ભમરીયાકુવા ચોક સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે.

લોકોમાં ચર્ચાતી વિગત મુજબ ઘણા સમયથી આ ગાડામાર્ગ બનેલા રોડને કયારેય મરામત કરવામાં આવેલ નથી ટ્રાફિક અને લોકોની મોટી અવર-જવર હોવા છતાં આ રસ્તાઓ પ્રત્યે કેમ દુર્લક્ષ સેવાય છે. ? તે એક પ્રશ્ન છે.

વાંકાનેર પરશુરામ પોટરી ફાટક પાસેથી વાંકાનેર રેલ્વે જંકશન જવાનો માર્ગ લોકો અને વાહન ધારકોને ગોથા ખવડાવતો માર્ગ હજુ સુધી બનાવવામાં ન આવતા બહારગામથી આવતા અને જતા મુસાફરો પાલીકા સામે રોષ ઠાલવતા સંભળાઇ રહ્યા છે.જયારે ગ્રીનચોકથી દાણાપીઠ ચોક સુધીની સ્ટ્રીટ લાઇટો છેલ્લા બાર માસથી બંધ છે. જેની અવાર-નવાર ફરીયાદો થવા છતા બંધ લાઇટો કેમ ચાલુ થતી નથી તે સમજાતું નથી.

ભમરીયા કુવા ચોક ટ્રાફિકથી સતત ધમધમતો વિસ્તાર છતાં ત્યાં લાઇટો બંધ જોવા મળે છે. વાંકાનેરની ધણીધોરી વગરની નગરપાલિકામાં કોઇ પણ કામગીરી માટે લોકો રજુઆત કરવા જાય ત્યારે ઠાગે ચઢવવામાં આવે છે. વાંકાનેર શહેરની તમામ શેરી-ગલીમાં રસ્તાના અને સ્ટ્રીટ લાઇટોના અભાવે ખાડા ખબડામાં વૃદ્ધો પડી જાય છે. ત્યારે તેઓને સારવારમાં ખસેડવા પડે છે.

(11:37 am IST)