Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ગારીયાધાર પાલિકાના ચીફ ઓફિસરના રીન્યુ થવા માટે ઉધામા

નગર પાલિકાના સદસ્યો દ્વારા રીન્યુ નહીં કરવા માટે અરજી કરાઈ

ગારીયાધાર, તા.૨૩:  નગરપાલિકાના ચીફ ઓફિસર ડી વી વઘાસિયા આવતા મહિને તેમના કરારો પૂરા થતા ફરી રીન્યુ થવા માટે ઉધામા કરી રહ્યા છે જયારે તેની વિરુદ્ઘમાં રીન્યુ નહીં થવા માટે નગરપાલિકા સદસ્યો દ્વારા કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.

ગારીયાધાર નગરપાલિકા કચેરીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આવતા મહિને ૬ ૧૧ ૧૯ ના રોજ નગરપાલિકા અધિકારીના કરો પૂર્ણ થતા હોય જેના માટે ફરી રીન્યુ થવા ચીફ ઓફિસર વદ્યાસીયા દ્વારા નિયામક કચેરી ખાતે અરજી કરવામાં આવી છે જયારે ચીફ ઓફિસરને કચેરીના પદ માટે ફરી રીન્યુ ન કરવા માટે શાસક પક્ષ અને વિરોધ પક્ષના સદસ્ય મળીને નિયામક કચેરી અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

સદસ્યોની અરજી પ્રમાણે અધિકારી દ્વારા ચૂંટાયેલા સદસ્યોના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિરાકરણ ન કરવામાં આવતો હોવાનું અને સરકારી ગ્રાન્ટો નું કોઈ આયોજન ન થતું હોવા ની રાવો દર્શાવવામાં આવી છે જે મુદ્દે કરાર આધારિત ચીફ ઓફિસરના કરો રીન્યુ ન કરવા અને ફરિવાર ફરજ પર ન લેવા બાબતે સદસ્યો દ્વારા માંગણી કરવામાં આવી હતી

નિયામક કચેરી ખાતેથી ગારીયાધાર નગરપાલિકા વિરુદ્ઘમાં અનેકવિધ તપાસો ચલાવવામાં આવી રહી છે જે બાબતે પ્રાદેશિક કમિશનર ખાતેથી અનેકવાર કાગળો મોકલવા છતાં તેમજ સૂચનાઓ આપવા છતાં ગારીયાધાર ન.પા. દ્વારા અહેવાલો મોકલવામાં ન આવતા પ્રાદેશિક કમિશનરના નાયબ કલેકટર ડામોર દ્વારા ભારે ઝાટકણી કાઢવામાં આવી હતી.

(11:36 am IST)