Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

લાલપુરમાં ભેળસેળ કરાતા પેટ્રોલપંપ સીલઃ રૂ.રર.૯૦ લાખનો જથ્થો જપ્ત

જામનગર તા.૨૩: લાલપુર-પોરબંદર રોડ ઉપર આવેલ લાલપુર પેટ્રોલિયમ દ્વારા ભેળસેળ કરવામાં આવે છે તેવી ફરિયાદ અરજી પરત્વે અત્રેની સૂચના મુજબ મામલતદારશ્રી, લાલપુરએ તા. ૨૫-૦૬-૨૦૧૮નાં રોજ અરજદાર તથા પંચો રૂબરૂ સદર પેટ્રોલપંપની તપાસણી કરી ટેન્ક નંબર-ર અને નોઝલ -૧ને ધોરણસર સીલ કરી નમુના લીધેલ. સદરહું નમુનાઓ એફ.એસ.એલ. કચેરી, ગાંધીનગર પૃથ્થકરણ માટે મોકલતાં અધિક નિયામક મુજબ નમુના ધોરણસરનાં ન જણાતાં જિલ્લા કલેકટર રવિશંકરની સુચના અનુસાર શ્રી કે.જે. જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જામનગર દ્વારા તા. ૨૦-૧૦-૨૦૧૮નાં રોજ મુખ્ય પુરવઠા નિરીક્ષક તથા પુરવઠા નિરીક્ષક જામનગરને સાથે રાખી આકસ્મીક મુલાકાત કરી તપાસણી હાથ ધરી હતી. ફીલર મશીનમાં પ્રતિ લીટર પેટ્રોલ-૮૦.૯૩, ડીઝલ લીટર-૭૯.૯૯, (તા.૧૮-૧૦-૨૦૧૮નાં રોજનાં) ભાવ દર્શાવેલ હતા. જે તા. ૨૦-૧૦-૨૦૧૮નાં રોજ પેટ્રોલ /ડીઝલનાં ભાવ (કિંમત) મેળવતા પેટ્રોલ કિંમત રૂ. ૭૮.૯૨ અને ડીઝલ રૂ. ૭૮.૭૧ જણાવેલ. એટલે કે પેટ્રોલમાં કિંમત રૂ. ૨.૦૧ તથા ડીઝલમાં કિંમત રૂ. ૧.૨૮ ગ્રાહક પાસેથી વધુ વસુલ કરેલ હોવાનું જણાય આવેલું તેમજ હિસાબી રજીસ્ટર તા. ૧૮-૧૦-૨૦૧૮ સુધી લખેલ હતાં. એટલે કે તપાસણીની તા. ર૦-૧૦-ર૦૧૮ સુધી પુર્ણ નિભાવેલ ન હતાં.

લાલપુર પેટ્રોલીયમની તપાસણીમાં જણાયેલ ગંભીર ક્ષતી, ગેરરીતિ બદલ પંચો રૂબરૂ પેટ્રોલ પંપની તમામ નોઝલ નંગ ૮ તથા તમામ ટેન્ક નં. ૪ સીલ કરી નીચેની વિગેનો હાજર જથ્થો પંચો રૂબરૂ સરકાર કબ્જે લઇ સ્થગીત કરી નિયોમોનુસારનો સીઝર હુકમ કરવામાં આવેલ.

જીન્સીની વિગત પેટ્રોલ ૮૦.૯૩, રૂ. ૧ર,૧ર,૭૮૭, ડીઝલ ૭૯.૯૮ લીટર, રૂ. ૧૦,૭૭,રરપ, કુલ કિંમત બાવીસ લાખ નેવું હજાર બાર રૂપિયા પુરા રર,૯૦,૦૧ર, ઉકત વિગતે કુલ રૂ. રર,૯૦,૦૧ર અંકે રૂપિયા બાવીસ લાખ નેવું હજાર બાર રૂપિયા પુરાની કિંમતનો પેટ્રોલીયમ પેદાશનો જથ્થો સરકાર કબજે લઇ સ્થગિત કરવામાં આવેલ છે.

જામનગર જિલ્લાના તમામ પેટ્રોલ પંપ ધારકોને આથી જાણ કરવામાં આવે છે કે, સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ પેટ્રોલ-ડીઝલની કિંમત કરતાં વધુ કિંમત ગ્રાહક પાસેથી વસુલ ન કરવા, પ્રમાણ મુજબનો જથ્થો વિતરણ કરવા પરવાનો નિયત સમય મર્યાદામાં રીન્યુ કરાવી લેવા તથા દર માસના અંતે થયેલ વેચાણ તથા બંધ સ્ટોકના પત્રકો મામલતદાર કચેરીમાં જમા કરવા સુચના આપવામાં આવે છે.

(4:22 pm IST)