Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ભુપી રાણા હત્યા કેસના ચારેય આરોપીઓનો નિર્દોષ છૂટકારો

લીંબડીમાં ક્ષત્રિય જૂથમાં સામ-સામી હત્યા કેસમાં એક વર્ષ પહેલા સમાધાન થયા બાદ બંને જૂથના શખ્સો નિર્દોષ છૂટ્યા : ભુપેન્દ્રસિંહ રાણાની હત્યામાં સંડોવાયેલ રઘુવીરસિંહ જાડેજાની પણ હત્યા કરાઈ હતી, તેના પણ તમામ ૧૦ આરોપીઓને નિર્દોષ છોડી દેવાયા

રાજકોટ, તા. ૨૩ : લીંબડીના  ભુપેન્દ્રસિંહ મહાવીરસિંહ રાણા ઉર્ફે ભુપી રાણાની થયેલ હત્યાના ગુન્હામાં પકડાયેલા ૪ આરોપીઓને આજે લીંબડીના એડીશ્નલ સેશન્સ જજ શ્રી એચ. જી. વાઘેલાએ નિદોર્ષ જાહેર કરીને છોડી મૂકયાનું જાણવા મળે છે.

જેઓને છોડી મૂકવામાં આવેલ છે તેમાં દેવેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો વિક્રમસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ વિક્રમસિંહ જાડેજા, વિક્રમસિંહ જોરૂભા જાડેજા તથા વિજય ભીખાભાઈ જાદવનો સમાવેશ થાય છે. અન્ય એક આરોપી રઘુવીરસિંહ વિક્રમસિંહ જાડેજાની પણ આ ગુન્હામાં પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ ભુપી રાણાના સાગરીતોએ ચાલુ કેસ દરમિયાન તેમની પણ હત્યા કરી નાખી હતી. જેથી તેની સામેનો કેસ એબેટ કરવામાં આવેલ હતો.

જયારે સામાપક્ષે ક્રોસ ફરીયાદ પણ થયેલ હતી. જેમાં આરોપી હરેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા સહિત ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓનો સામેનો કેસ ચાલી જતા તેઓને પણ છોડી મૂકવામાં આવ્યાનું જાણવા મળે છે.

લીંબડીના ભુપેન્દ્રસિંહ રાણા ઉર્ફે ભુપી રાણા જમીનના પણ મોટા ધંધામાં સંડોવાયેલ હોય ધંધાકીય હરીફાઇના કારણે તા.૫-૨-૨૦૧૦ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે લીમડીના લેકયુ બિલ્ડીંગ પાસે આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો, વિક્રમસિંહ જાડેજા અને રઘુવીરસિંહ વિક્રમસિંહ જાડેજા વગેરેએ તલવાર, ધોકા, છરીના ૩૨ જેટલા ઘા મારીને ભુપી રાણાની હત્યા કરી હતી.

આ બનાવ સમયે ફાયરીંગ થયાનું પણ બહાર આવ્યુ હતું. જે અંગે આર્મ્સ એકટ હેઠળ પણ ગુન્હો નોંધાયો હતો.

આ કેસ આજે ચાલી જતાં લીંબડીના અધિકસેશન જજ એચ. જી. વાઘેલાએ ભુપી રાણા હત્યાના કેસના ઉપરોકત ૪ આરોપીઓ તેમજ સામાપક્ષે રઘુવીરસિંહ વિક્રમસિંહ જાડેજાની હત્યાના ગુન્હામાં હરેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા સહિત ૧૦ આરોપીઓને પણ છોડી મૂકયાનું જાણવા મળે છે.

આ કેસમાં ભુપી રાણા હત્યા કેસના આરોપીઓ વતી બચાવ પક્ષે રાજકોટના એડવોકેટ લલીતસિંહ શાહી, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સી. એમ. દક્ષીણી, સુરેશ ફળદુ, હિતેશ ગોહેલ, મનીષ ગુરૂમ, નિશાંત જોષી, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી અને પાર્થ ચૌહાણ રોકાયા હતા.

ભૂપી રાણા હત્યા કેસમાં બન્નેજુથ વચ્ચે સમાધાન થયુ હતું

હજુ વધુ લોથો ઢળે તે પહેલાં ગોંડલમાં બન્ને જુથને થઇ હતી સમજાવટ  : પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની મધ્યસ્થીથી થયેલ સુખ સમાધાન

રાજકોટ તા. ર૩ :.. ગોંડલના રાવકા ગામના ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભૂપી રાણાની હત્યા બાદ સામા જુથના રઘુવીરસિંહ જાડેજાની પણ હત્યા થઇ હતી વેરાગ્નિની આગ હજુ વધુ કોઇનો ભોગ લે તે પહેલા સમાજના મોવડીઓની મધ્યસ્થીથી બન્ને જુથને સમજાવાયા હતા અને એક વર્ષ પહેલા ગોંડલ ખાતે પુર્વ જયરાજસિંહ જાડેજાની હાજરીમાં બન્ને જૂથ વચ્ચે વેરભાવને ત્યાગી સમાધાન કરાવાયું હતું.

(3:11 pm IST)