Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

કચ્છના મહામુલા પશુધનને બચાવવા કેટલ કેમ્પ અનિવાર્યઃ તારાચંદભાઇ છેડા

કચ્છના કલેકટરના અધ્યક્ષસ્થાને અછત સમિતિની બેઠક યોજાઇ : મહાજન પ્રતિનિધિ તરીકે છેડાએ ગૌશાળા પાંજરાપોળને સબસીડીની માંગ કરી

ભુજ, તા.૨૩: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છમાં અછતની જાહેરાત કર્યા પછી આખા વર્ષ દરમિયાન અછતના સંચાલન માટેની અલાયદી સમિતિની રચનાને પગલે ભુજ ખાતે જિલ્લા  કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે  અછત સમિતિની પ્રથમ બેઠકમાં અછતની ઉદ્દભવેલી વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા અને તબક્કાવાર વ્યૂહરચના ઘડી કાઢવા કચ્છના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, સરકારી વિભાગોના અધિકારીઓ, મહાજન, ગૌશાળા તેમજ માલધારી આગેવાનોએ ઘાસચારો, પાણી, કેટલ કેમ્પ, સબસીડી જેવા વિવિધ મુદ્દે રચનાત્મક સૂચનો કર્યાં હતા.

ભુજ ખાતે જિલ્લા અછત સમિતિની બેઠકમાં પૂર્વ રાજયમંત્રી અને અછત સમિતિમાં નિયુકત મહાજનના પ્રતિનિધિ તારાચંદભાઈ છેડાએ પાંજરાપોળ- ગૌશાળાની જેમ કેટલ કેમ્પ વિના કચ્છના પશુધનને નહીં બચાવી શકાય તેવી સ્પષ્ટ વાત કરતાં ગામડે-ગામડે દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી વહેલામાં વહેલી તકે કેટલ કેમ્પ શરૂ કરવા સમિતિમાં ઠરાવ કરવા સાથે જે ગૌશાળાઓ-પાંજરાપોળો ગૌમુત્ર અર્ક, સેન્દ્રીય ખાતર બનાવવાની પ્રવૃતિની સાથે મુખ્ય પ્રવૃતિ પશુધન નિભાવની કરતી હોય તે દરેકને પણ સબસીડી આપવી જોઇએ તેવી જિલ્લા કલેકટરને સરકારમાં રજૂઆત કરવા જણાવી તે સંદર્ભે ૨૦૧૩માં થયેલા ઠરાવની નકલ પણ આપી હતી.

છેડાએ વધુમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છની અછત પરિસ્થિતની ચિંતા કરી રૂબરૂ આવીને અછતના ઇતિહાસમાં પ્રથમ વખત ઓકટોબરથી અછત જાહેર કરી છે, તે બદલ જિલ્લા અછત સમિતિમાં રાજય સરકારનો આભાર માનતો ઠરાવ પસાર કરવો જોઇએ, તેવું સૂચન કરો.

ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ અછતના સંદર્ભે અંતરજાળ અને કિડાણામાં પાણીની તકલીફનો ઉલ્લેખ કરી નક્કર આયોજન થાય તેવું સૂચન કર્યું હતું.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ કચ્છની અછતની પરિસ્થિતિ ધ્યાને ગજણસર ડેમમાં પાણીના લીકેજને રોકવાં સૂચન કરી અબડાસા-લખપત સહિતના વિસ્તારોમાં પશુધનના પીવાના પાણી માટે તળાવમાં કુવા બનાવવા અને હયાત કુવાઓને ઉપયોગી બનાવવા સહિતના વિવિધ સૂચનો કર્યાં હતા.

જિલ્લા પંચાયતના પૂર્વાધ્યક્ષ અને સમિતિમાં સરકારના પ્રતિનિધિ એવા જીવાભાઈ શેઠે પૂર્વ કચ્છમાં ૧૨૫ મી.મી. વરસાદ બાદ બંધ થયેલા ઘાસડેપો યુધ્ધના ધોરણે પુનઃ ચાલુ કરવા તેમજ જે ખેડૂતોએ પીજીવીસીએલમાં કોલના નાણાં ભર્યાં છે, તે તમામના વીજ જોડાણ ઘાસ વાવવા ઉપયોગના હોઇ, યુધ્ધના ધોરણે ચાલુ કરવા અને અછતમાં તંત્રના હકારાત્મક અભિગમની સૂચન કર્યું હતું.

અગ્રણી વલમજીભાઈ હુંબલે પડતર પડેલ મહેસુલી અને ગૌચર જમીનોમાં પાણીની વ્યવસ્થા સાથે ઘાસચારા વાવેતરનું આયોજન કરવા સૂચન કર્યું હતું.

ગૌશાળા-પાંજરાપોળના પ્રતિનિધિ, માલધારીના પ્રતિનિધિ મિયાં હુસેન મુતવા અને સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિ દ્વારા પાંજરાપોળોને કાયમી ધોરણે ૨૪ કલાક પાણી પુરૂ પાડવા, સબસીડી વધારવા સહિતના સૂચનો થયાં હતા. શ્રી મુતવાએ બન્ની વિસ્તારમાં પાણીની લાઇનના ફોલ્ટ થકી લોકોને પડતી પાણીની મુશ્કેલી નિવારવા સાથે બન્ની વિસ્તારનાં ઘાસડેપોમાં વધુ ઘાસ ફાળવવા વગેરે સૂચનો કર્યાં હતા.

જિલ્લા અછત સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર રેમ્યા મોહને સમિતિના પ્રતિનિધિઓની રજૂઆતો અને સૂચનો ધ્યાને લીધા હોવાનું જણાવી સંદર્ભે રાજય સરકારશ્રી દ્વારા રૂ. ૪૨૮ લાખની ગ્રાંટ ફાળવી દેવામાં આવી છે, તેની વિગતો આપીને, મહેકમની મંજૂરી મળી ગયાનું તેમજ ઘાસડેપોની મહેસુલી ટીમો દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવતી હોવાની સાથે ઘાસડેપો પર ચોકીદારની નિમણુંકો માટે સરકારને દરખાસ્ત કરાઇ હોવાનું જણાવ્યું હતું.

અધિક કલેકટર ડી.આર.પટેલે સમગ્ર જિલ્લાની ઘાસ તેમજ વરસાદની પરિસ્થિતિનું પ્રેઝન્ટેશનના માધ્યમથી નિરૂપણ કર્યું હતું. તથા ખેતીવાડી અધિકારીશ્રી શિહોરાએ ખેતીવાડી વિભાગનું, શ્રી એલ.જે.ફુફલે પાણીની સ્થિતિનું સમગ્ર જિલ્લાનું ચિત્ર પ્રસ્તુત કર્યું હતું. ડીઆરડીએના નિયામક એમ.કે. જોષી એ નરેગાની, સિંચાઇના શ્રી રાઠવા અને શ્રી સોનકેસરીયાએ સિંચાઇ તેમજ વન વિભાગ દ્વારા અછતના માસ્ટર પ્લાનની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, નાયબ કલેકટર એસ.એમ.કાથડ સહિતના પીજીવીસીએલ સહિતના સલગ્ન વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(1:06 pm IST)